ગુટકા-તમાકુના સંગઠિત નેટવર્ક પર ત્રાટકશે તુકારામ મુંઢે

13 June, 2026 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ‍્ડ ક્રાઇમ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ

તુકારામ મુંઢે

રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા અને ગુટકા-તમાકુ તેમ જ નિકોટીનયુક્ત પાનમસાલા જેવા પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોના ગેરકાયદે વેપારને ડામવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એક અત્યંત કડક અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. FDAના કમિશનર તુકારામ મુંઢેએ ગઈ કાલે તમામ જિલ્લાના અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ગુટકા અને પ્રતિબંધિત તમાકુજન્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ કરતા સંગઠિત ગુનાહિત નેટવર્ક વિરુદ્ધ પાત્ર કેસોમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. બંધારણની કલમ ૪૭ અંતર્ગત નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાની રાજ્યની જવાબદારી છે એને ધ્યાનમાં રાખીને આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

આ ગેરકાયદે વ્યવસાયમાં માત્ર નાના છૂટક વિક્રેતાઓ જ નહીં પણ મોટા ઉત્પાદકો, ફાઇનૅન્સર્સ, ટ્રાન્સપોર્ટર્સ અને ગોડાઉનના માલિકોની એક આખી આંતરરાજ્ય સંગઠિત સિન્ડિકેટ સક્રિય છે. આ નેટવર્ક દ્વારા નકલી દસ્તાવેજો, બેનામી વ્યવહાર અને ગુપ્ત ગોડાઉનોનો ઉપયોગ કરીને સિસ્ટમૅટિક ગુના આચરવામાં આવે છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ 2006 અંતર્ગત અસુરક્ષિત અન્નના વેચાણ માટે જેલની જોગવાઈઓ તો છે જ, પરંતુ હવે જો કોઈ કેસમાં છેલ્લાં ૧૦ વર્ષમાં એકથી વધુ ચાર્જશીટ દાખલ થઈ હોય, ગુનો ૩ વર્ષ કે એથી વધુની સજાને પાત્ર હોય અને બે કે એથી વધુ લોકો આર્થિક લાભ માટે સાથે મળીને કામ કરતા હોય તો ત્યાં MCOCA લાગુ કરવા માટે પોલીસ-પ્રશાસન સાથે સમન્વય સાધવામાં આવશે.

આ આદેશનો મુખ્ય ઉદ્દેશ નાના વેપારીઓને પરેશાન કરવાનો નથી, પરંતુ ગેરકાયદે વેપારના મુખ્ય સૂત્રધારો અને આર્થિક લાભાર્થીઓ સુધી પહોંચીને આખી સિન્ડિકેટને તોડી પાડવાનો છે. એ માટે જિલ્લા અને રાજ્યસ્તરે વિશેષ રજિસ્ટર રાખીને તમામ કેસો, FIR અને ચાર્જશીટ પર કડક દેખરેખ રાખવામાં આવશે. MCOCA અંતર્ગત જામીન મળવા અત્યંત મુશ્કેલ હોવાથી સરકારી વકીલ અને પોલીસ સાથે મળીને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રશાસને નાગરિકોને પણ અપીલ કરી છે કે જો ક્યાંય પણ આવા પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ કે હેરફેર થતી જોવા મળે તો એની જાણ તરત સ્થાનિક પોલીસ અથવા FDAને કરવી.

હવે તુકારામ મુંઢેના સપાટામાં શેગાવ કચોરી પણ આવી ગઈ

FDA હાલમાં ખાવાની વાનગીઓમાં થતી ભેળસેળ, હલકી ગુણવત્તાનાં ઇન્ગ્રીડિયન્ટ્સ અને સ્વચ્છતામાં દાખવવામાં આવતી બેદરકારી સંદર્ભે અલગ-અલગ જગ્યાએ રેઇડ પાડી રહી છે. હવે શેગાવની પ્રસિદ્ધ કચોરી પણ એમાં સામેલ થઈ છે. FDAની ટીમ શેગાવની કચોરી માટે પ્રસિદ્ધ તીરથરામ કરમચંદ શર્મા કચોરી સેન્ટર પર પહોંચી હતી અને ત્યાંની કચોરીનાં સૅમ્પલ લીધાં હતાં. એ કચોરી કેવી રીતે બનાવવામાં આવે છે, એમાં કયો કાચો માલ વાપરવામાં આવે છે એની ચકાસણી કરવા FDAની બુલઢાણાની ટીમે તેમની દુકાને પહોંચીને કચોરી અને એના કાચા માલનાં સૅમ્પલ લૅબ-ટેસ્ટિંગ માટે લીધાં હતાં. જો એમાં કોઈ ત્રુટિ જણાશે તો દુકાન સામે કાર્યવાહી કરવામાં આવશે એમ FDAની ટીમે જણાવ્યું હતું.

food and drug administration maharashtra news maharashtra mumbai mumbai news