મમ્મી જલદી ઘરે આવ, મારે તને કંઈ કહેવું છે

24 November, 2014 03:13 AM IST  | 

મમ્મી જલદી ઘરે આવ, મારે તને કંઈ કહેવું છે




ગયા અઠવાડિયે ચેમ્બુરના વાશી નાકામાં એક પિતાએ તેની સગીર વયની પુત્રી પર બળત્કાર કર્યો હતો. પોલીસે બળાત્કારી પિતાની શનિવારે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ કિશોરીનો પિતા મજૂરી કરે છે અને તેને દારૂની લત છે. કિશોરીની માતા ઘરકામ કરે છે. કિશોરીએ દિવાળીમાં અભ્યાસ છોડી દીધો હતો. કિશોરીની મોટી બે બહેનો પરિણીત છે. તેને એક નાનો ભાઈ પણ છે. ૧૯ નવેમ્બરે કિશોરીની માતા સવારે કામ પર ગઈ હતી ત્યારે ઘરમાં કિશોરી, તેનો નાનો ભાઈ અને પિતા જ હતાં. સાંજે લગભગ પોણાપાંચ વાગ્યે કિશોરીએ તેની મમ્મીને ફોન કરીને જણાવ્યું હતું કે મમ્મી જલદી ઘરે આવ, મારે તને કંઈ કહેવું છે. તેની મમ્મી સાંજે છ વાગ્યે ઘરે પહોંચી ત્યારે રડતાં-રડતાં કિશોરીએ તેની સાથે થયેલા અત્યાચારની વિગતો તેની મમ્મીને કહી હતી. મમ્મીએ આ બાબતની જાણ કિશોરીની નાનીને કરી હતી. ત્યાર બાદ ત્રણે જણે RCF પોલીસ-સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ ૩૭૬ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સયુઅલ ઑફેન્સિસ ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધી પિતાની શોધ શરૂ કરી હતી અને મેડિકલ તપાસ માટે છોકરીને સાયન હૉસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે તે ચેમ્બુરમાં છુપાયો છે. ત્યાર બાદ પોલીસે છટકું ગોઠવી પપ્પાની ધરપકડ કરી હતી.

આ કેસના તપાસ-અધિકારી રાજેશ ચંદુગડેએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમે સાયન હૉસ્પિટલમાંથી મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આરોપી પપ્પાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ૨૬ નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.’