ભિવંડી-વાડા રોડ પરના ખાડાઓએ યુવાનનો ભોગ લીધો

20 October, 2018 04:43 AM IST  | 

ભિવંડી-વાડા રોડ પરના ખાડાઓએ યુવાનનો ભોગ લીધો

બે દિવસ પહેલાં ભિવંડીથી રાતે ગણેશ પાટીલ બાઇક પર ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને ભિવંડી-વાડા રોડ પર પડેલા ખાડાને કારણે અકસ્માત નડ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં ગણેશ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. ગામવાસીઓ આ ઘટનાથી રોષે ભરાયા હતા અને ગણેશના મૃતદેહને ભિવંડી-વાડા રોડની વચ્ચે રાખીને રસ્તારોકો આંદોલન કર્યું હતું, જેને પગલે ટ્રાફિક જૅમ થયો હતો.

ભિવંડી-વાડા રોડ BOT ધોરણે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બાંધવામાં આવ્યો હતો એમ જણાવીને ટોળામાંથી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘આ કંપની વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધવાની અમારી માગણી છે. ભિવંડી-વાડા રોડ પર પડેલા ખાડાને પગલે અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ગણેશ તેનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો અને પરિવારમાં તેની પત્ની અને ૨૩ દિવસની દીકરી છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. ગણેશપુરી પોલીસની મધ્યસ્થીને પગલે બે કલાક બાદ ગામવાસીઓએ આંદોલન પાછું ખેંચ્યું હતું. જ્યાં સુધી કંપની રસ્તાનું સમારકામ નથી કરતી ત્યાં સુધી ટોલ બંધ રાખવાની માગણી ગામવાસીઓએ કરી હતી. જો આમ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ગામવાસીઓએ આપી હતી.’