દીકરાના સ્કૂલના પહેલા દિવસને રૉયલ બનાવવા પિતાએ ફૂલોથી સજાવેલી રોલ્સ-રૉયસમાં કાઢી શાહી સવારી

19 June, 2025 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના ચાર વર્ષના દીકરાને સ્કૂલ મૂકવા માટે તેમણે આલીશાન રોલ્સ-રૉયસ કારને ફૂલોથી સજાવીને તૈયાર કરાવી હતી

દીકરાના સ્કૂલના ૧ દિવસને રૉયલ બનવા પિતાએ ફૂલોથી સજાવેલી રોલ્સ-રૉયસમાં કાઢી સવારી

વસઈમાં નવીત ભોઈર નામના એક પિતાએ દીકરાના સ્કૂલના પહેલા દિવસને શાહી બનાવવા માટે કંઈક એવું કર્યું કે એ ઘટના યાદગાર બની ગઈ. નવીત ભોઈર પોતે ટીચર છે. તેમના ચાર વર્ષના દીકરાને સ્કૂલ મૂકવા માટે તેમણે આલીશાન રોલ્સ-રૉયસ કારને ફૂલોથી સજાવીને તૈયાર કરાવી હતી એટલું જ નહીં, એની સાથે તેમણે પાંચ કારનો કાફલો લઈને સ્કૂલમાં એન્ટ્રી મારી હતી. 

વસઈના કામન વિસ્તારમાં આવેલી જિલ્લા પરિષદની સ્કૂલમાં ભણાવતા નવીત ભોઈરે દીકરાને વસઈની વિદ્યા વિકાસિની સ્કૂલમાં મૂકવા જતી વખતે આ તામઝામ કર્યો હતો. મોંઘી અને ઠસ્સાદાર રોલ્સ-રૉયસને ફૂલોથી સજાવી હતી અને સાથે ઢોલ-નગારાંના હર્ષોલ્લાસ સાથે સ્કૂલ સુધીની રૅલી કાઢી હતી. એ કારમાં નવીત ભોઈર આખા પરિવાર સાથે બેઠા હતા.

દીકરાનો સ્કૂલનો પહેલો દિવસ યાદગાર બનાવવાની પિતાની આ લાગણીને કેટલાક લોકોએ યાદગાર અને ગૌરવશાળી ગણાવી હતી, જ્યારે કેટલાક લોકોએ આલોચના કરી હતી. મહારાષ્ટ્રમાં એવી સ્કૂલો છે જ્યાં પહોંચવા માટે બાળકો આજે પણ બળદગાડામાં બેસીને જાય છે એની સાથે આ ઘટનાની સરખામણી કરીને વાતને ચર્ચાના ચગડોળે ચડાવી હતી.

vasai Education news mumbai mumbai news