કન્યાદાન પહેલાં આપ્યું જીવનદાન

23 January, 2023 07:19 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

૫૩ વર્ષના પિતાએ પોતાની કિડની આપીને બન્ને કિડની ગુમાવી ચૂકેલી દીકરીને નવું જીવન આપ્યું

પિતાએ પોતાની કિડની આપીને દીકરીને નવું જીવન આપ્યું હતું

મુંબઈ : મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સિપાઈ તરીકે કામ કરતા વિનાયક પાટીલે તેમની ૨૦ વર્ષની દીકરીની ગંભીર બીમારીને કારણે બન્ને કિડની ફેલ થઈ જતાં પોતાની એક કિડની આપીને નવું જીવન આપ્યું છે.

૫૩ વર્ષના વિનાયક પાટીલની દીકરી શ્રદ્ધા છેલ્લા કેટલાક મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહી હતી. ડૉક્ટરે નિદાન કર્યું કે આ બીમારીને કારણે તેની બન્ને કિડની ફેલ થઈ ગઈ છે. આ જાણ થતાં પાટીલ પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. કોઈ પણ રીતે શ્રદ્ધાને બચાવવા માટે પિતા તૈયાર હતા. તેનો જીવ બચાવવા માટે ઓછામાં ઓછી એક કિડનીની જરૂર હતી. એટલે પિતાએ દીકરીને પોતાની કિડની આપવાનો નિર્ણય લીધો હતો.

વિરાર-ઈસ્ટના નારંગી વિસ્તારમાં રહેતા વિનાયક પાટીલની દીકરી શ્રદ્ધા ૧૪મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એક દીકરો છે. સિપાઈની નોકરીમાં મળતા ઓછા પગારને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં વિનાયકે ડૉક્ટરની સલાહથી મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ થઈને કિડનીની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી અને દીકરીને જીવનદાન આપ્યું હતું. આ સર્જરી સફળ રહી છે અને બન્નેની હાલત સ્થિર છે. આર્થિક તનાવ સામે ઝઝૂમી રહ્યા હોવા છતાં વિનાયક પાટીલના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. ખૂબ ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે ‘મારી દીકરીનાં લગ્ન સારા પરિવારમાં થાય અને તે ખુશ રહે એ ખુશી સામે મારો દુખાવો કંઈ મોટો નથી.’

mumbai mumbai news virar preeti khuman-thakur