કોરાનાગ્રસ્ત કચ્છી સગર્ભા પુત્રીની દેખરેખ રાખતા પપ્પાને પણ કોવિડ

20 July, 2020 02:15 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

કોરાનાગ્રસ્ત કચ્છી સગર્ભા પુત્રીની દેખરેખ રાખતા પપ્પાને પણ કોવિડ

રમણિકભાઇ પરિવાર સાથે

ડોમ્બિવલી-ઈસ્ટમાં ડીએનસી રોડ પરની ડીએનસી સ્કૂલની પાછળ રહેતા મધ્યમવર્ગીય રમણીક દેઢિયાએ ગર્ભવતી પુત્રી, પત્ની અને પોતાને પણ થયેલા કોરોના સામે બાથ ભીડી અને ગઈ કાલે જ્યારે તેઓ સાજા થઈને પાછા આવ્યા ત્યારે સોસાયટીના રહેવાસીઓએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
દાદરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની હોલસેલની શૉપમાં નોકરી કરતા ૪૬ વર્ષના રમણીક દેઢિયાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મોટી પરીણિત દીકરી કવિતા ગર્ભવતી હતી એથી અમારા ઘરે હતી. તેની સંભાળ માટે જમાઈ અમિત વોરા પણ હાલમાં અમારા ઘરે જ હતા. ૨૩ જૂને કવિતાની કોરોના-ટેસ્ટ કરાવી હતી, જે પૉઝિટિવ આવી હતી. ત્યાર બાદ કેડીએમસીમાંથી અમને જાણ કરી કે જે હૉસ્પિટલમાં ખાટલો ખાલી હશે ત્યાં દાખલ કરાશે. અમે જ્યારે લિસ્ટ ચેક કર્યું તો એમાં માત્ર બે જ હૉસ્પિટલ સરકારી હતી, બાકીની બધી પ્રાઇવેટ હતી એથી અમે અન્ય વિકલ્પોની તપાસ શરૂ કરી, જેમાં મારા મિત્ર સંજય દેઢિયાએ મદદ કરી. કચ્છી જૈન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓની પણ મદદ લીધી. આખરે માટુંગાનાં ભારતીબહેન સંગોઈની ભલામણથી અમને મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં ખાટલો મળ્યો. બે જીવવાળી દીકરીની સંભાળ લેવા અને તેને ખાવાનું બરાબર મળી રહે એ બધી વ્યવસ્થા કરવાની હોવાથી હું જ તેની સાથે નાયર હૉસ્પિટલ ગયો હતો. બીજા દિવસે કેડીએમસીએ પરિવારના અન્ય સભ્યો મારાં વાઇફ રાજશ્રી, નાની દીકરી ડિમ્પલ અને જમાઈની પણ ટેસ્ટ કરાવવાનું કહેતાં અમે પ્રાઇવેટમાં ટેસ્ટ કરાવી હતી, જેમાં વાઇફને કોરોના હોવાનું જણાઈ આવ્યું એથી તેને પણ ૧૦ દિવસ તાતા આમંત્રામાં ક્વૉરન્ટીન કરાયાં હતાં.
હું રાત-દિવસ હૉસ્પિટલના ઓપીડી સામે આવેલા ઓટલા પર રહેતો હતો. મેં અમારા એક મિત્રની મદદથી દીકરી અને મારા માટે જૈન ભોજનની વ્યવસ્થા કરી હતી, જેમાં સવારનો નાસ્તો અને બે વખતનું ભોજનનું ટિફિન મળતું હતું. દીકરીને ખાસ પ્રેગ્નન્ટ મહિલાઓ અને એમાં પાછી કોરોનાના દરદીના ખાસ વૉર્ડમાં રાખી સારવાર આપવામાં આવી હતી. તેણે ત્રણ તારીખે દીકરીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ ૭ તારીખે તેને રજા અપાઈ હતી. આ દરમ્યાન હું નીચે ઓટલા પર જ રહેતો હતો. રાતે વરસાદ આવે તો હૉસ્પિટલના શેડ નીચે અથવા ઓપીડીમાં ચાલ્યો જતો હતો. દીકરીને તેનાં સાસરિયાંમાં મૂકીને હું ઘરે આવ્યો. ૮ તારીખે વાઇફને ડિસ્ચાર્જ આપવાનાં હતાં એથી તેને લેવા ગયો ત્યારે મારું તેમણે ચેકિંગ કર્યું. બીજા દિવસે મારો પણ કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આખરે મારે પણ તાતા આમંત્રામાં ક્વૉરન્ટીન થવું પડ્યું હતું. રવિવારે ૧૯ તારીખે મને રજા આપવામાં આવી. ઘરે આવ્યો ત્યારે સોસાયટીવાળાઓએ મારું ભાવભીનું સ્વાગત કર્યું હતું. કોરોના સામેની અમારી લડત સફળ રહી.’

mumbai mumbai news dombivli coronavirus covid19