નવા વર્ષે સિદ્ધિવિનાયકનાં દર્શન મધરાતથી

29 December, 2012 07:25 AM IST  | 

નવા વર્ષે સિદ્ધિવિનાયકનાં દર્શન મધરાતથી



નવા વર્ષની શરૂઆત મંગળવારે અંગારકી ચતુર્થીથી જ થતી હોવાથી સોમવારે ૩૧ ડિસેમ્બરે મધરાત બાદ દોઢ વાગ્યાથી જ ભક્તોને પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયકનાં દર્શન કરવા મળશે. આ વર્ષમાં ત્રણ અંગારકીનો યોગ છે. પહેલી અંગારકી પહેલી જાન્યુઆરીએ હોવાથી સોમવારે મધરાતે ૧૨ વાગ્યાથી સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાનની પૂજા શરૂ થશે અને મહાપૂજા, અભિષેક અને આરતી બાદ દોઢ વાગ્યાથી દર્શનની લાઇન શરૂ કરવામાં આવશે. આખો દિવસ દર્શનનો લાભ મળશે અને વચ્ચે માત્ર આરતી માટે જ લાઇનને થોભાવવામાં આવશે. આ વખતે ભક્તો માટે પાસેના નદુર્લ્લા ટૅન્ક મેદાનમાં મંડપ બાંધવામાં આવ્યો છે.

પહેલી જાન્યુઆરીએ અંગારકી હોવાનો યોગ ૧૯૯૪માં આવ્યો હતો અને હવે પછી ૧૫૦ વર્ષ સુધી આવો યોગ આવવાનો નથી. આ વર્ષે ૨૮ મે અને ૨૨ ઑક્ટોબરે પણ અંગારકી છે. આ વર્ષમાં ત્રણ અંગારકી હોવાથી એ ગણેશવર્ષ તરીકે પણ ઓળખાશે. મુખદર્શન માટેની લાઇનની વ્યવસ્થા આ વખતે એસ. કે. બોલે માર્ગ પર પાંચ નંબરના એન્ટ્રી-ગેટમાંથી કરવામાં આવી છે.

આમ આ યોગ અનોખો હોવાને કારણે લાખો ભક્તો દર્શને આવવાના હોવાથી મંદિરના પ્રશાસને પણ સલામતીની કાળજી રાખી છે. ભક્તો પોતાની સાથે કૅમેરા કે લૅપટૉપ જેવી ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ લાવે નહીં એવી વિનંતી કરવામાં આવી છે. પ્રસાદ પણ માત્ર પ્લાસ્ટિકના ડબ્બામાં લાવવા જણાવવામાં આવ્યું છે.

શિર્ડી મંદિર સોમવારે આખી રાત ખુલ્લું રહેશે

શિર્ડીમાં નવા વર્ષે ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં લઈને સોમવારે સાંઈબાબાનું મંદિર આખી રાત ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૧ ડિસેમ્બરે લાખો ભક્તો શિર્ડી આવશે એટલે સોમવારે રાત્રે છેલ્લી આરતી શેજારતી અને મંગળવારે વહેલી સવારે થતી કાકડ આરતી નહીં થાય. સોમવારે આખી રાત મંદિર ખુલ્લું રાખવામાં આવશે જેથી લાખો ભક્તો સાંઈબાબાનાં દર્શન કરી શકે. આખી રાત પ્રસાદના લાડુનું વિતરણ પણ કરવામાં આવશે.