હવે સચિનના ઘર સામે ખેડૂતના પુત્રનો વિરોધ

09 February, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે સચિનના ઘર સામે ખેડૂતના પુત્રનો વિરોધ

સચિન તેન્ડુલકરના મુંબઈના નિવાસસ્થાની બહાર સ્વાભિમાની શેતકરી સંગઠનના ઍક્ટિવિસ્ટ અને રણજિત બાગલ નામના ખેડૂતનો પુત્ર

લિટલ માસ્ટર સચિન તેન્ડુલકરે કેન્દ્રીય કૃષિ કાયદામાં કરાયેલા ફેરફાર બાબતે મત રજૂ કર્યા બાદ સોશ્યલ મીડિયામાં ઘમસાણ મચ્યું છે. ગઈ કાલે સચિન તેન્ડુલકરના મુંબઈના નિવાસસ્થાની બહાર સ્વાભિમાની શેતકરી સંગઠનના ઍક્ટિવિસ્ટ અને રણજિત બાગલ નામના ખેડૂતના પુત્રે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં યુવક તેન્ડુલકરના ઘરની સામે હાથમાં પોસ્ટર લઈને ઊભો છે અને સિક્યૉરિટી ગાર્ડ તેને ત્યાંથી જતો રહેવાનું કહેતો જોવા મળે છે.

દિલ્હીની બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન બાબતે સચિન તેન્ડુલકરે ટ્વીટ કર્યા બાદથી ખેડૂતોમાં તેની સામે વિરોધ કરાઈ રહ્યો છે. મોટા ભાગના ક્રિકેટરો આ બાબતે ચૂપ રહ્યા છે, પણ સચિને ખેડૂત સિવાયના લોકોએ વિરોધમાં સામેલ થવાને બદલે બહારથી સપોર્ટ કરવાની વાત કરી હતી, જેને લીધે તેણે લીધેલા સ્ટૅન્ડ બાબતે શરદ પવારથી લઈને અનેક રાજકીય પક્ષોના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે.

જોકે શરદ પવારના સચિને ‘પોતાના ક્ષેત્રની બહારના વિષય પર ન બોલવું જોઈએ’ એવા નિવેદન પર ભારે વિવાદ સર્જાયો છે. બીજેપીએ શરદ પવારના નિવેદનની ટીકા કરી છે તો રયત ક્રાન્તિ સંગઠનના નેતા તેમ જ વિધાનસભ્ય સદાભાઉ ખોતે ગઈ કાલે કહ્યું હતું કે શરદ પવાર ક્રિકેટ રમતા ન હોવા છતાં તેઓ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. આથી તેમણે સચિને આપેલા નિવેદન વિશે કંઈ ન બોલવું જોઈએ.

mumbai mumbai news sachin tendulkar