મુંબઈ-નાગપુર એક્સપ્રેસવેને લીધે ખેડૂતોની આત્મહત્યા હજી વધશે

23 May, 2017 07:09 AM IST  | 

મુંબઈ-નાગપુર એક્સપ્રેસવેને લીધે ખેડૂતોની આત્મહત્યા હજી વધશે



શિવસેનાનું માનવું છે કે મુંબઈ અને નાગપુર વચ્ચે પ્રસ્તાવિત એક્સપ્રેસવે (સમૃદ્ધિ કૉરિડોર) માટે જો સરકાર ખેડૂતો પાસે બળજબરીથી જમીન લેશે તો ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં વધારો થશે.

શિવસેનાએ એના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે લખ્યું હતું કે ‘આ એક્સપ્રેસવે બાંધવા સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. એથી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર બની છે. પોતાની જમીન આપવાનો વિરોધ કરતા ખેડૂતો સાથે મારપીટ કરવામાં આવે છે અને તેઓ જો તેમની જમીન ન આપે તો તેમને જેલમાં બંધ કરવાની ધમકી આપવામાં આવે છે. હવે માત્ર એક જ રસ્તો બાકી રહ્યો છે જમીન આપવાનો વિરોધ કરતા ખેડૂતોનાં માથાં વાઢી નાખવાં.’

શિવસેનાએ બીજું શું-શું કહ્યું...

એમ માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હંમેશાં હસતા હોવાનો ડોળ કરે છે, પરંતુ મુખ્ય પ્રધાનનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે તેઓ ખેડૂતોની સમસ્યાઓ પર મોં બગાડે છે.

આ પ્રોજેક્ટનો હજારો ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતો તેમની જમીન વેચવા નથી માગતા, પરંતુ જો તમે આ જમીન બળજબરીથી મેળવવા માગો તો તમારો ઇરાદો ખોટો છે.

જે પાર્ટી આપણા જવાનોના શિરચ્છેદ સામે બદલો લઈ ન શકી એ પાર્ટીએ ખેડૂતોને નુકસાન પહોંચાડવું ન જોઈએ.

હાલમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટથી આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા વધશે. શું રાજ્ય સરકાર ખેડૂતોની આત્મહત્યાનો ગિનેસ વર્લ્ડ રૅકૉર્ડ બનાવવા ઇચ્છે છે? તમે તમારી દમનકારી નીતિઓને લીધે ખેડૂતોને કબરમાં ધકેલી ન શકો.

અમે વિકાસનો કદી વિરોધ નથી કર્યો, પરંતુ આ વિકાસ ખેડૂતોને ભોગે ન થવો જોઈએ. જો અમે વિકાસના વિરોધી હોત તો અમે મુંબઈમાં અસંખ્ય રસ્તાઓ અને ફલાયઓવરો બાંધ્યા ન હોત. વિકાસ વર્તમાન સમયની જરૂરિયાત છે, પરંતુ પહેલાં ખેડૂતોની આત્મહત્યા બંધ થવી જોઈએ. ખેડૂતોની લોન માફ થવી જોઈએ.