કૃષિ સંબંધી માગણીઓ બાબતે અણ્ણા હઝારેની ઉપવાસની ચીમકી

15 December, 2020 10:34 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

કૃષિ સંબંધી માગણીઓ બાબતે અણ્ણા હઝારેની ઉપવાસની ચીમકી

ફાઈલ તસવીર

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ કેન્દ્રીય કૃષિ ખાતાના પ્રધાન નરેન્દ્ર સિંહ તોમારને પત્ર લખીને એમ. સ્વામીનાથન કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણો માન્ય કરવા સહિત ખેડૂતોની માગણીઓ પૂરી કરવામાં કેન્દ્રની નિષ્ફળતા સામે વિરોધ નોંધાવવા ભૂખ-હડતાળની ચીમકી આપી છે.

અણ્ણા હઝારેની અન્ય માગણીઓમાં કમિશન ફૉર ઍગ્રિકલ્ચરલ કૉસ્ટ ઍન્ડ પ્રાઇસિસ (સીએસીપી)ને સ્વાયત્તતા આપવાની માગણીનો પણ સમાવેશ છે.

ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર અણ્ણા હઝારે ફેબ્રુઆરી ૨૦૧૯માં અહમદનગર જિલ્લામાં તેમના ગામ રાળેગાવ સિદ્ધિમાં ઉપવાસ પર ઊતર્યા હતા.

એ વખતના કૃષિ ખાતાના પ્રધાન રાધા મોહન સિંહે લેખિતમાં  સ્વામીનાથન કમિશનનાં સૂચનો તેમ જ ખેડૂતોની અન્ય માગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્યા બાદ ૨૦૧૯ની પાંચમી ફેબ્રુઆરીએ તેમણે ભૂખ-હડતાળ પાછી ખેંચી હતી. 

નરેન્દ્ર સિંહ તોમારને લખેલા પત્રમાં તેમણે રાધા મોહન સિંહે આપેલી ખાતરીનો પત્ર પણ બીડ્યો હતો, જે તેમણે પત્રકારોને પણ આપ્યો હતો.

કેન્દ્રએ તેમને કમિટી-રિપોર્ટના આધારે ખેડૂતોની માગણી પૂરી કરવા આવશ્યક પગલાં લેવાની ખાતરી આપી હતી.

નરેન્દ્ર સિંહ તોમારને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૯ની પાંચમી ફેબ્રુઆરીએ ભૂખ-હડતાળ પાછી ખેંચી લીધા પછી હજી સુધી સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હોવાથી તેઓ ફરીથી ઉપવાસ પર ઊતરવા વિશે વિચારી રહ્યા છે. તેમના ઉપવાસના સ્થળ અને તારીખ વિશે સરકારને ટૂંક સમયમાં માહિતી પહોંચાડવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ફાર્મ લૉ પાછો ખેંચી લેવા માટે ૮ ડિસેમ્બરે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ભારત બંધના દિવસે પણ અણ્ણા હઝારેએ ઉપવાસ કર્યો હતો.

pune anna hazare