ભાઇંદરની હૉસ્પિટલમાં બાળકના મૃત્યુ બાદ રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા તોડફોડ

13 October, 2011 08:28 PM IST  | 

ભાઇંદરની હૉસ્પિટલમાં બાળકના મૃત્યુ બાદ રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા તોડફોડ


મીરા રોડમાં ન્યુ પુષ્પા ગાર્ડન પાસે રહેતો યાદવ વાસુ કુંદર તેના પાંચ મહિનાના પુત્ર પ્રજ્વલ કુંદરને ખાંસી-કફ જેવી તકલીફ માટે પહેલેથી પોતાનાં બાળકોની તપાસ કરાવવા ડૉક્ટર પાસે ગયો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ડૉક્ટર બાળકની પરિસ્થિતિ જોઈને ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા, પણ આ દરમ્યાન બાળકને અચાનક ફિટ આવતાં તેની હાલત ગંભીર બની ગઈ હતી એટલે ડૉક્ટરે ઇમર્જન્સી ટ્રીટમેન્ટ આપી હતી. આમ છતાં બાળકનું ટ્રીટમેન્ટ દરમ્યાન જ મૃત્યુ થયું હતું. બાળકના પરિવારજનોએ હૉસ્પિટલ પર આક્ષેપ કર્યો હતો કે બાળકને સમયસર ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી તેમ જ આઉટડેટેડ સામાન વાપરવામાં આવ્યો હતો. બાળકના આઘાત પામેલા પરિવારજનોએ હૉસ્પિટલમાં તોડફોડ કરતાં હૉસ્પિટલનું વાતાવરણ તંગ થઈ ગયું હતું. તોડફોડને કારણે હૉસ્પિટલમાં રહેલાં મશીનો, કાચને ભારે નુકસાન થયું હતું.

આ કેસને સંભાળતાં ડૉક્ટર તૃપ્તિ શરદ સક્સેનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે મેં બાળકને ટ્રીટમેન્ટ આપી હતી. ફરી તેઓ ગઈ કાલે બાળકને લાવ્યા ત્યારે મેં યોગ્ય હોય એવી ટ્રીન્ટમેન્ટ આપી હતી, પણ આ દરમ્યાન બાળકને ફિટ આવતાં તેનું મૃત્યુ થયું હતું.’