સેકન્ડ ટાઇમ અનલકી?

21 February, 2021 08:23 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

સેકન્ડ ટાઇમ અનલકી?

વિદ્યાવિહારમાં રહેતા હરેશ સાપરિયાના દીકરાનાં લગ્નની બીજી વખત છપાયેલી કંકોતરી, હરેશ સાપરિયા

મુંબઈમાં નિયંત્રણમાં આવેલા કોરોનાના દરદીઓની સંખ્યામાં થોડા વખતથી અચાનક વધારો થતાં કોરોનાએ સ્પીડ પકડી છે. એનાથી ચિંતિત થયેલી રાજ્ય સરકારે અને બીએમસીએ સ્ટ્રિક્ટ કાર્યવાહી હાથ ધરી છે. એમાંય ખાસ કરીને લોકલ ટ્રેનો અને લગ્નપ્રસંગ પર બીએમસીની ચાંપતી નજર છે. આ બન્ને જગ્યાએ કોરોનાના નિયમોની ઐસી કી તૈસી થતી હોવાથી સંક્રમણ વધી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. એથી વહીવટી તંત્રે લગ્નપ્રસંગમાં કોરોનાના નિયમોનું પાલન થાય અને પચાસથી વધુ લોકો એમાં સામેલ થાય નહીં એની તપાસ કરવા વૉર્ડ પ્રમાણે ટીમ બનાવી છે. આ ટીમો લગ્નના સ્થળે જઈને સરપ્રાઇઝ વિઝિટ લઈ રહી છે. કોરોનાનો ગ્રાફ ઓછો થયો અને મુંબઈની લોકલ પણ શરૂ થઈ એટલે લોકોએ રાહતનો શ્વાસ લઈને લગ્નપ્રસંગનું આયોજન કરવાની શરૂઆત કરી હતી, પરંતુ ફરી કોરોનાના કેસ વધતા અને કડક નિયમો વચ્ચે લગ્નપ્રસંગ કેવી રીતે પાર પાડવો અને બધી તૈયારીઓ થઈ ગઈ હોવાથી અને મહેમાનોને આમંત્રણ તથા બધે ઍડ્વાન્સ ચુકવણી થઈ ગઈ હોવાથી શું કરવું એ જટિલ પ્રશ્ને મુંબઈગરાઓની ચિંતા અને મૂંઝવણ વધારી દીધી છે.

માથે હાથ દઈને બેઠા છીએ 

વિદ્યાવિહારમાં જૉલી જિમખાના પાસે રહેતા હરેશ સાપરિયાએ પોતાની વેદના માંડતાં

‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાએ તો અમને ભારે હેરાન કરી મૂક્યા છે. મને એક જ દીકરો છે એટલે પહેલેથી ઇચ્છા હતી કે લગ્ન વ્યવસ્થિત કરવાં છે. અમે અતિ ઉત્સાહિત થઈને ૨૦૨૦ની ૨૬ એપ્રિલે લગ્ન નક્કી કર્યાં હતાં અને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બધા પોતાનો હરખ પૂરો કરવા માટે પોતાની પસંદનાં કપડાં, બૅગ, ચંપલ બધું ખરીદવા લાગ્યા હતા. બીજી બાજુ અમારે વિદ્યાવિહારથી જાન નાલાસોપારા (ઈસ્ટ)માં લઈ જવાની હતી. એથી અમુક કાર અને બસ બુક કરાવી લીધી હતી. એટલું જ નહીં, હૉલ પણ બુક કરી લીધો હતો અને કેટરર્સ નક્કી થઈ ગયો હતો. ઉપરાંત વિડિયોગ્રાફર, મહેંદી, મેકઅપ આર્ટિસ્ટ એમ બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ૩૦૦ પત્રિકા પણ છપાઈને ઘરે આવી ગઈ હતી. એવામાં ગયા માર્ચ મહિનામાં લૉકડાઉન લાગુ થઈ ગયો. મૂંઝવણ અને હતાશા વચ્ચે ફક્ત હૉલવાળાએ અને વિડિયોગ્રાફરે બીજી વખત તારીખ નક્કી થાય ત્યારે ડિપોઝિટ આપતા નહીં એમ કહ્યું, પરંતુ અન્ય લોકોને સમજાવતાં તેઓ માન્યા નહીં અને અમારી ડિપોઝિટના પૈસા જતા કરવા પડ્યા હતા. લગ્નની ૩૦૦ પત્રિકા ઘરે પડી રહી હતી અને અમારા ઉત્સાહ પર પાણી ફેરવાઈ ગયું હતું. ત્યાર બાદ રાહ  જોતાં-જોતાં એક વર્ષ થઈ ગયું. કોરોનાનો ગ્રાફ ઓછો થયો અને લોકલ શરૂ થઈ એટલે અમને એમ કે હવે કંઈ વાંધો નથી. અમે ફરી ૭ માર્ચે લગ્નની તારીખ નક્કી કરી હતી. હૉલ અને વિડિયોગ્રાફર એ જ હતા, પરંતુ બીજું બધું ફરીથી બુક કરાવવું પડ્યું હતું. ફરી હિંમત કરીને તૈયારીઓ કરી અને દેશમાં જઈને પત્રિકા પણ આપી આવ્યા. મુંબઈમાં સંબંધિતોને પત્રિકા આપવાની શરૂઆત કરી જ હતી કે ફરી સરકારે કડક વલણ દેખાડ્યું છે. એવામાં હવે અમે માથે હાથ દઈને બેઠા છીએ કે કરીએ તો શું કરીએ?’

પરેલના નવીન મકવાણાને ભાણેજના મૅરેજનું છે ટેન્શન

પરેલમાં દામોદર હૉલની બાજુમાં રહેતા નવીન મકવાણાએ પોતાની મૂંઝવણ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારી કોલાબામાં રહેતી નાની બહેન હંસા ગાયકવાડની દીકરી ફાલ્ગુનીને બાળપણથી જ મેં દીકરી માનીને મારી પાસે રાખી છે. એથી તેનાં લગ્ન મારા ઘરેથી જ કરવાના છીએ. સાત રસ્તામાં રહેતા ચૌહાણ પરિવારમાં પણ પહેલો પ્રસંગ હોવાથી ખૂબ ઉત્સાહ હતો. અમારા ઘરની આસપાસ અનેક હૉલ છે, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા અમે દાદર (ઈસ્ટ)માં હિન્દમાતા સિનેમા પાસે આવેલી સેન્ટ પૉલ અવર લેડી સ્કૂલમાં લગ્ન રાખવાનું નક્કી કર્યું હતું. ત્યાં ખુલ્લી જગ્યામાં ટેબલ અને એની આસપાસ ચાર ખુરશી રાખવાનું નક્કી કર્યું હતું. દરેક રાઉન્ડ ટેબલ પર માસ્ક અને સૅનિટાઇઝર રાખીને ત્યાંથી જ લગ્ન થતાં જોવાનાં એવી વ્યવસ્થા કરી છે. હૉલમાં જઈને અમે પહેલેથી જ ૪૦૦ જેટલા માસ્ક પણ આપી આવ્યા હતા. હૉલના બુકિંગથી લઈને બધી તૈયારીઓ ઍડ્વાન્સ કરી રાખી હતી જેથી પછીથી ભાગદોડ થાય નહીં. કોરોનાનો ગ્રાફ પણ ઓછો થયો હોવાથી વ્યવસ્થિત રીતે લગ્ન કરવાની બધાની ઇચ્છા છે. બન્ને પક્ષ દ્વારા બધાને પત્રિકા પણ અપાઈ ગઈ છે. આમંત્રણપત્રિકામાં પણ ખાસ નોંધમાં લખ્યું છે કે રાજ્યની ગાઇડલાઇન્સ પ્રમાણે સોશ્યલ ડિસ્ટસ્ટિંગ રાખવું, માસ્ક પહેરવો, સૅનિટાઇઝર રાખવું. બધી તૈયારીઓ કરી, ઍડ્વાન્સ બુકિંગ કરીને ઉત્સાહભેર લગ્નની રાહ જોઈ રહ્યા છીએ ત્યાં ફરી આવું વાતાવરણ અને ગાઇડલાઇન્સને કારણે અમે ચિંતામાં અને મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ કે કરવું તો શું કરવું?’

coronavirus covid19 lockdown mumbai mumbai news vidyavihar parel preeti khuman-thakur