નવરાત્રિમાં ફાલ્ગુની પાઠકનું ઘાટકોપરમાં કમબૅક

29 September, 2015 03:50 AM IST  | 

નવરાત્રિમાં ફાલ્ગુની પાઠકનું ઘાટકોપરમાં કમબૅક




ગણપતિબાપ્પાની વિદાય બાદ ૧૩ ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી નવરાત્રિની તડામાર તૈયારીઓ કરી રહેલા ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે કે દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક આ વખતે ઘાટકોપરમાં પોતાના સૂર રેલાવશે.

આ સાથે ફાલ્ગુની પાઠક ક્યાં નવરાત્રિ કરવાની છે એને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. રાસરસિયાઓ માટે રાહતની વાત હોવાનું કારણ એ છે કે એક સમયે ફાલ્ગુની પાઠક અને તેનું ગ્રુપ તાથૈયા સુરતમાં નવરાત્રિ કરશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે ત્યાર બાદ ગોરેગામ, બોરીવલી, અંધેરી ચિત્રકુટ અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ સહિતનાં ગ્રાઉન્ડ્સ પર નવરાત્રિની વાતચીત ચાલી હતી. જોકે છેવટે ઘાટકોપરમાં વર્ષોથી નવરાત્રિનું આયોજન કરતા ઘાટકોપર ગુજરાતી સમાજે મેદાન માર્યું છે.

ઘાટકોપર (ઈસ્ટ)ના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં થનારી આ નવરાત્રિનું આજે ભૂમિપૂજન છે. ફાલ્ગુની પાઠક સાથે નવરાત્રિ કરી રહેલા ઘાટકોપર ગુજરાતી સમાજના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા એકદમ એક્સાઇટેડ છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાલ્ગુનીની તમામ નવરાત્રિઓમાં આ વખતની નવરાત્રિને અમે બિગેસ્ટ શો બનાવવાના છીએ. ફાલ્ગુનીની હટકર એન્ટ્રી ઉપરાંત પારંપરિક ગરબા રમનારા ખેલૈયાઓને અમે રોજેરોજ ઇનામ આપવાનું નક્કી કર્યું છે. બૉલીવુડના ફિલ્મસ્ટારો પણ અમારી નવરાત્રિમાં પોતાના પિક્ચરને પ્રમોટ કરવા આવવાના છે.’

ઘાટકોપર ગુજરાતી સમાજે નવરાત્રિના સીઝન પાસના ૨૦૦૦ રૂપિયા રાખ્યા છે.