કાનપુરના પતિએ નવું ઘર લેવા ડોમ્બિવલીના વકીલ સાથે પત્નીનાં બોગસ લગ્ન કરાવ્યાં

07 August, 2025 07:00 AM IST  |  Mumbai | Mehul Jethva

લગ્ન બાદ મહિલા વકીલના ઘરમાંથી ૨૫ લાખ રૂપિયાની માલમતા લઈને નાસી ગઈ

પ્રયાગરાજમાં અનુ અને વકીલનાં થયેલાં લગ્ન. અનુ દાગીના અને રોકડ લઈને નાસી ગઈ હોવાની ફરિયાદ વકીલે કરી છે.

ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતા ૩૨ વર્ષના વકીલ સાથે લગ્ન કરીને અનુ સોની નામની મહિલા અને તેનો પતિ પંકજ સોની આશરે ૨૫ લાખ રૂપિયાના દાગીના અને રોકડ લઈને નાસી ગયાં હોવાની ફરિયાદ માનપાડા પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર વકીલને અનુની ફ્રેન્ડ-રિક્વેસ્ટ મળી હતી. દરમ્યાન બન્નેનાં લગ્ન પ્રયાગરાજમાં થયાં હતાં. જોકે લગ્નના એક મહિનામાં જ અનુ ઘરમાંથી ૧૩ લાખ રૂપિયાના દાગીના અને ૧૨ લાખ રૂપિયાની રોકડ લઈને નાસી ગઈ હતી. ત્યાર બાદ તપાસ કરતાં અનુએ પતિ પંકજ સાથે કાનપુરમાં એ જ પૈસાનો પ્લૉટ ખરીદ્યો હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. આ મામલે પોલીસે બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

વકીલે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનામાં શાદીડૉટકૉમ પર મને અનુ સોની નામની યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ મળી હતી. તેની સાથે એક-બે દિવસ વાત કર્યા બાદ અનુએ મને તેના જીજાજી પંકજ સોની સાથે વાત કરવાનું કહ્યું હતું. એ અનુસાર મેં તેની સાથે વાત કરતાં અનુ તેની નાની સાળી હોવાનું કહીને લગ્ન બાબતે વધુ વાત કરવા ઉત્તર પ્રદેશ આવવા કહ્યું હતું. અનુ મને ગમતી હોવાથી હું અને મારી મમ્મી લગ્નની વાત કરવા ઉત્તર પ્રદેશ ગયાં હતાં. ત્યાર બાદ એ જ અઠવાડિયામાં અમારી સગાઈ થઈ હતી. દરમ્યાન ડિસેમ્બરમાં પ્રયાગરાજમાં અમારાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ બે દિવસ રહીને અમે મુંબઈ આવ્યાં હતાં. એક-બે દિવસમાં જ અનુએ કહ્યું હતું કે મારે તારી સાથે નથી રહેવું. એ સાંભળીને હું ચોંકી ગયો હતો. આ બધી વાતોથી હું હતાશ થયો હતો. એ દરમ્યાન અનુ અમારા ઘરમાંથી કહ્યા વિના નાસી ગઈ હતી. અમને એમ કે તેના ઘરે એટલે કે ઉત્તર પ્રદેશ ગઈ હશે એટલે અમે તેના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. જોકે તેના પરિવારનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. એટલે મેં ઘરમાં તપાસ કરી ત્યારે આશરે ૨૫ લાખ રૂપિયાની માલમતા અનુ પોતાની સાથે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી મેં આ મામલે વધુ તપાસ કરવાની શરૂઆત કરી હતી.’

માનપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ટી-બબલીએ પ્લાનિંગપૂર્વક વકીલ સાથે ખોટાં લગ્ન કરી તેમને લૂંટી લીધા હોવાનું પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે. આ મામલે અમે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.’

વકીલે શું કહ્યુંમિડ-ડેને?

અનુ અને પંકજ પતિ-પત્ની હતાં અને તેમણે ઘર લેવા માટે મારી સાથે છેતરપિંડી કરી હતી એમ જણાવતાં વકીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ઑફિશ્યલી અનુનું બૅન્ક-સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે મને જાણ થઈ કે અનુએ કાનપુરમાં મારા ઘરેથી ગયા બાદ ૪૫ લાખ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું. કાનપુરથી માહિતી મેળવતાં ખબર પડી કે એ ઘર પંકજ અને અનુના નામે હતું. વધુ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે અનુ અને પંકજે ઘર ખરીદવા માટે પૈસા ઓછા પડતા હોવાથી ખોટાં લગ્નનું કાવતરું રચ્યું હતું. અંતે મેં માનપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

dombivli prayagraj kanpur crime news mumbai crime news news mumbai police mumbai news mumbai