સંભાળજો, તમે પણ ક્યાંક ન આવી જાઓ ઠગ જ્યોતિષીના સપાટામાં

11 September, 2025 07:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણ સ્ટેશન પર પોતાનું ભવિષ્ય જાણવાના ચક્કરમાં થાણેના સિનિયર સિટિઝને દોઢ તોલાની વીંટી ગુમાવી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કલ્યાણ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક નજીક ભવિષ્યની માહિતી આપતા હોવાનો ઢોંગ કરી થાણેના શાસ્ત્રીનગરમાં રહેતા ૬૨ વર્ષના ગોપાલ રાળે પાસેથી મંગળવારે સાંજે બે યુવકોએ એક લાખ રૂપિયાની સોનાની વીંટી હાથચાલાકી કરીને પડાવી લીધી હતી. આ ઘટનાની ફરિયાદ કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સ્ટેશનમાં નોંધાઈ હતી. ગઠિયાઓએ સિનિયર સિટિઝન ગોપાલ રાળેના હાથમાં પથ્થર પકડાવી, મુઠ્ઠી બંધ કરાવી મંત્ર બોલ્યા બાદ મુઠ્ઠીમાંથી રુદ્રાક્ષ બહાર કાઢ્યો હતો. આમ વાતોમાં ભોળવીને વીંટી પડાવી લીધી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની મદદથી આરોપીની શોધ હાથ ધરી છે.

કલ્યાણ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ કાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગવર્નમેન્ટ નોકરીમાંથી સેવાનિવૃત્ત થઈને થાણેમાં રહેતા ગોપાલ રાળે કલ્યાણમાં રહેતી પુત્રીને મળવા મંગળવારે સાંજે થાણેથી ફાસ્ટ લોકલ પકડીને કલ્યાણ રેલવે-સ્ટેશન પહોંચ્યા હતા. દરમ્યાન સ્ટેશનની બહાર નીકળતી વખતે પ્લૅટફૉર્મ-નંબર એક નજીક એક યુવકે તેમને મુંબ્રા માટેની ટ્રેનની માહિતી પૂછી હતી. એ જ સમયે ત્યાં બીજો એક યુવાન આવ્યો હતો અને તેણે માહિતી પૂછવા આવેલા યુવકને એકાએક ભવિષ્ય કહેવાનું શરૂ કરી દીધું હતું. ભવિષ્યની એક પછી એક માહિતી અપાતી જોઈને ગોપાલ રાળેએ પણ પોતાનું ભવિષ્ય જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે પાછળથી આવેલા યુવકે ગોપાલને નીચેથી પથ્થર લઈને હાથમાં રાખવાનું કહીને મુઠ્ઠી બંધ કરી દેવાનું કહ્યું હતું. ત્યાર બાદ તે ગોપાલની મુઠ્ઠી જોઈને એક મંત્ર બોલ્યો હતો અને ગોપાલને મુઠ્ઠી ખોલવાનું કહેતાં અંદરથી પથ્થરને બદલે રુદ્રાક્ષ નીકળ્યો હતો. એ જોઈને ગોપાલને એ યુવાન પર વિશ્વાસ વધ્યો હતો. ત્યાર બાદ આગળનું ભવિષ્ય કહેતાં પહેલાં આરોપીએ ગોપાલે પહેરેલી સોનાની વીંટી કાઢી ૧૦૦ રૂપિયાની નોટથી બાંધી ખીસામાં મૂકી દેવા કહ્યું હતું. એ અનુસાર ગોપાલે પોતાના હાથમાં પહેરેલી દોઢ તોલાની વીંટી કાઢીને ૧૦૦ રૂપિયાની નોટમાં બાંધીને ખીસામાં રાખવા જતાં બન્ને યુવાનો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. દરમ્યાન સ્ટેશનની બહાર આવી ખીસામાં રાખેલી વીંટી તપાસતાં એ મળી આવી નહોતી. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે આરોપીની વધુ તપાસ કરવામાં આવી રહી છે. એ ઉપરાંત આ રીતે સ્ટેશન પર છેતરપિંડી કરતી ગૅન્ગના મેમ્બરોની પણ તપાસ કરવામાં આવી રહી છે.’

kalyan news crime news mumbai crime news mumbai mumbai news government railway police mumbai police astrology western railway mumbai railways indian railways central railway