09 June, 2025 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી, દેવેન્દ્ર ફડણવીસ
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપ હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઇલેક્શન કમિશનને જ હાઇજૅક કર્યું છે. તેમણે ઇલેક્શન કમિશન પાસે હાલમાં થયેલી બધી ચૂંટણીઓનો ડિજિટલ રેકૉર્ડ માગ્યો હતો અને છાપામાં લેખ લખીને મહારાષ્ટ્ર સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મુત્સદ્દી દેવેન્દ્ર ફડણવીસે તેમની જ રીત અપનાવીને છાપામાં લેખ લખીને આ બાબતે ખુલાસો કર્યો છે એટલું જ નહીં, આંકડાઓ અને પુરાવાઓ આપીને આખી વાતનો છેદ જ ઉડાડી દીધો છે અને રાહુલ ગાંધીને સંબોધતાં કહ્યું છે કે ‘તા ઉમ્ર રાહુલ ગાંધી આપ યહી ગલતી કરતે રહે, ધૂલ ચેહરે પે થી ઔર આઈના સાફ કરતે રહે.’
રાહુલ ગાંધીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓમાં મોટા પાયે ગરબડ થઈ હતી અને હવે બિહારની ચૂંટણીઓમાં પણ ગરબડ થવાની શક્યતા છે. ઇલેક્શન કમિશને તાજેતરમાં થયેલી બધી ચૂંટણીઓનો વોટર્સનો રોલ દર્શાવતો કન્સોલિડેટેડ મશીન વાંચી શકે એવો ડેટા પ્રસિદ્ધ કરવો જોઈએ. જો ઇલેક્શન કમિશન આમ કરશે તો એની વિશ્વસનીયતા જળવાઈ રહેશે.’
એ માટે તેમણે કેટલાંક છાપાંઓમાં આર્ટિકલ લખ્યા હતા. હવે એની સામે જવાબ આપતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેમની જેમ છાપામાં લેખ લખીને સ્પષ્ટતા કરી છે એટલું જ નહીં, પુરાવા અને આંકડા સાથે સ્પષ્ટતા કરી છે કે ઇલેક્શન કમિશન સ્વાયત્ત સંસ્થા છે અને એ કોઈની શેહમાં કામ ન કરે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં થયેલી ગરબડ છેલ્લા કલાકોમાં વધી ગયેલા મતદાનના રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોને ફડણવીસે પુરાવા સાથે ખોટા ઠેરવ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે તેમના લેખમાં લખ્યું હતું કે ‘રાહુલ ગાંધી સતત લોકશાહીની પ્રક્રિયાનું અપમાન કરતા હોય છે, સતત જનાદેશનું અપમાન કરતા હોય છે. જનતાએ રાહુલ ગાંધીને નકારી કાઢ્યા છે એટલે હવે એનો બદલે લેવા તેઓ જનતાને નકારે છે. આને કારણે કૉન્ગ્રેસ પાર્ટી હજી વધુ ગર્તામાં ધકેલાઈ જશે.’