કૉન્ગ્રેસના અને NCPના ટોચના નેતાઓની સિક્યૉરિટીમાં કાપ

30 December, 2014 05:45 AM IST  | 

કૉન્ગ્રેસના અને NCPના ટોચના નેતાઓની સિક્યૉરિટીમાં કાપ


મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ટોચના રાજકીય નેતાઓને આપવામાં આવતી સિક્યૉરિટીના પ્રમાણમાં ઘટાડો કર્યો છે. મોટા હોદ્દા પરની વ્યક્તિઓ પર જોખમનું પ્રમાણ જાણીને તેમને આપવા પાત્ર સિક્યૉરિટીની ભલામણ કરતી કમિટીએ કરેલાં સૂચનો પ્રમાણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અશોક ચવાણ, પૃથ્વીરાજ ચવાણ, નારાયણ રાણે તથા નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર, છગન ભુજબળ અને આર. આર. પાટીલ તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલને આપવામાં આવેલી ‘Z પ્લસ’ સુરક્ષા ઘટાડીને ‘Y’ અથવા ‘X’ કૅટેગરીની કરવામાં આવી છે. ‘Y’ કૅટેગરીની સલામતી વ્યવસ્થામાં ફ્કત બે સિક્યૉરિટી ઑફિસર્સ હોય છે.

 જોકે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે, યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે, કૉન્ગ્રેસના નેતા સુશીલકુમાર શિંદે અને RSSના વડા મોહન ભાગવતની સિક્યૉરિટી યથાવત્ રાખવામાં આવી છે. ફડણવીસે પોતે પોતાનું ‘Z પ્લસ’ સિક્યૉરિટી કવર હટાવવા પોલીસ-કમિશનર રાકેશ મારિયાને જણાવ્યું હતું.