ફેસબુક પર રાજ ઠાકરેની ટીકા : યુવક પકડાયો

29 November, 2012 03:06 AM IST  | 

ફેસબુક પર રાજ ઠાકરેની ટીકા : યુવક પકડાયો



સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેની ટીકા કરતું લખાણ મૂકનારા પાલઘરના ૨૦ વર્ષના યુવક સુનીલ વિશ્વકર્માને પાલઘર પોલીસે ગઈ કાલે તાબામાં લીધો હતો. જોકે તેણે પોલીસને કહ્યું હતું કે મારું ફેસબુક-અકાઉન્ટ કોઈકે હૅક કર્યું છે. બાળ ઠાકરે વિશેના ફેસબુક પરની કમેન્ટના વિવાદને પગલે શાહીન ધાડા અને રેણુ શ્રીનિવાસન નામની બે યુવતીઓની ધરપકડના મામલે પાલઘરના જ બે પોલીસ-અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં થાણે ગ્રામીણ પોલીસે આ કેસ સાઇબર સેલને સોંપી દીધો છે. શિવસેનાએ આ સસ્પેન્શનના વિરોધમાં ગઈ કાલે પાલઘર બંધનું આહ્વાન કયુંર્ હતું જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

એમએનએસના થાણે ગ્રામીણ સ્ટુડન્ટ વિંગના પ્રેસિડન્ટ ભાવેશ ચુરણેએ મંગળવારે રાત્રે રાજ ઠાકરે વિશેનું લખાણ ફેસબુક પર જોતાં તેણે સુનીલને પોતાની ઑફિસમાં બોલાવ્યો હતો. જોકે તેણે એવી કમેન્ટ લખી ન હોવાથી ચુરણેએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે સુનીલને તાબામાં લઈને તપાસ શરૂ કરી છે. થાણે ગ્રામીણ વિસ્તારના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અનિલ કુંભારેએ કહ્યું હતું કે ‘અમે આ ફરિયાદ થાણે ગ્રામીણ સાઇબર સેલને મોકલી દીધી છે. સુનીલ પર કોઈ હુમલો ન કરે એ માટે અમે તેને તાબામાં લીધો છે.’

રાજ ઠાકરે વિશેની કમેન્ટ સોમવારે બપોરે ૩.૪૭ વાગ્યે મોબાઇલ દ્વારા મૂકવામાં આવી હતી. આ કમેન્ટ પર પ્રેમા પાટીલે સુનીલની ટીકા કરી હતી એને પગલે સુનીલે રાજ ઠાકરે વિશે વધુ ખરાબ લખાણ મૂક્યું હતું. સુનીલ ૧૨મા ધોરણ સુધી ભણ્યો છે અને હાલમાં વસઈમાં કમ્પ્યુટરનો કોર્સ કરી રહ્યો છે. તે પાલઘરમાં મનોર નાકા પાસે રહે છે. થોડાં અઠવાડિયાં પહેલાં તેના પિતાએ તેને નવું કમ્પ્યુટર અપાવ્યું હતું. સુનીલની માતા પોલીસ-સ્ટેશનમાં પુત્ર સાથે આવી હતી, પણ તે બેહોશ થઈ જતાં તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.