ચક્ષુદાન સામે લોકો બની ગયા નેત્રહીન

09 May, 2022 08:15 AM IST  |  Mumbai | Suraj Pandey

છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈમાં આઇ ડોનેશનમાં થયો ૭૦ ટકાનો ઘટાડો: કોરોના હવે કાબૂમાં આવી ગયો હોવા છતાં લોકો આગળ ન આવી રહ્યા હોવાથી આંખ મેળવવાનો વેઇટિંગ પિરિયડ થઈ ગયો ડબલ

પ્રતીકાત્મક તસવીર

સ્વજનોની આંખોનું દાન કરીને જોઈ ન શકતા લોકોના જીવનમાં જ્યોતિ લાવવી અત્યંત ઉદાત્ત કાર્ય છે, પણ કોરોના મહામારીને કારણે મુંબઈમાં આઇ ડોનેશન કૅમ્પેન ઘણું પ્રભાવિત થયું છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈમાં ચક્ષુદાનમાં ૭૦ ટકાનો, જ્યારે રાજ્યમાં ૫૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોનાનું જોર ધીમું પડ્યું હોવા છતાં ચક્ષુદાનના મામલે ઉદાસીનતા પ્રવર્તતી હોવાથી શહેરમાં વેઇટિંગ પિરિયડ લગભગ બેવડાઈ
ગયો છે.

‘મિડ-ડે’એ આરટીઆઇ હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ સમક્ષ દાખલ કરેલી અરજી હેઠળ મહામારીને કારણે આઇ ડોનેશનનો ગ્રાફ નીચે ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. ૨૦૧૭-’૧૮માં શહેરમાં ૧૯૮૭ ચક્ષુદાન થયાં હતાં, પણ ૨૦૨૧-’૨૨માં ફક્ત ૫૮૯ ચક્ષુદાન થયાં હતાં. બીજી તરફ ૨૦૧૭માં રાજ્યમાં ૭૫૬૩ આંખોનું દાન થયું હતું, જે પ્રમાણ ૫૮ ટકા ઘટીને ૨૦૨૧-’૨૨માં ૩૧૭૨ જેટલું થયું છે.

આઇ બૅન્ક કો-ઑર્ડિનેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરનાં મૅનેજર સુચિત્રાએ જણાવ્યું હતું કે ‘ઘણા પ્રયાસ પછી લોકો ચક્ષુદાનના મામલે જાગ્રત થયા હતા, પણ કોરોનાને કારણે અમારી સઘળી મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ૨૦૨૦માં તો કલેક્શન ૭થી ૮ મહિના સ્થગિત હતું. એ શરૂ થયા પછી પણ અમુક નિયંત્રણો યથાવત્ હતાં અને એ સમયગાળો અમારા માટે ઘણો પડકારરૂપ રહ્યો હતો. અંતિમવિધિમાં ફક્ત ૨૦ વ્યક્તિને અનુમતિ હતી અને મૃત્યુ પામનારના સ્વજનો કોરોનાની સ્થિતિમાં ડોનેશનનું વિચારતા પણ નહોતા. હવે ચક્ષુદાનનું પ્રમાણ વધ્યું હોવા છતાં અમે હજી પાછળ છીએ. લોકોમાં વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે, જેથી આઇ ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટિંગ લિસ્ટમાં સામેલ લોકોને દૃષ્ટિ મળી શકે.’

ડિરેક્ટરેટ ઑફ હેલ્થ સર્વિસિસ (ડીએચએસ)નાં ડિરેક્ટર ડૉ. સાધના તાયડેએ જણાવ્યું હતું કે ‘વ્યક્તિના મૃત્યુ બાદ ૬થી ૮ કલાકમાં અમારે આઇબૉલ મેળવવાનો રહે છે. કલેક્શન પછી હેપેટાઇટિસ, એચઆઇવી અને અન્ય ટેસ્ટ થાય છે એથી આ કટોકટીની સ્થિતિ હોય છે. જો રિઝલ્ટ પૉઝિટિવ આવે તો અમે ટ્રાન્સપ્લાન્ટ માટે એ લઈ શકતા નથી.’

મુંબઈના આંકડા

વર્ષ        કલેક્શન     વપરાશ
૨૦૧૭-’૧૮    ૧૯૭૮        ૧૨૪૨
૨૦૧૮-’૧૯    ૧૯૬૩        ૧૪૦૫
૨૦૧૯-’૨૦    ૧૬૫૫        ૭૮૦
૨૦૨૦-’૨૧    ૨૧૧        ૧૬૯
૨૦૨૧-’૨૨    ૫૮૯        ૪૦૩

mumbai mumbai news