ઈરાનમાં રઝળી પડેલા ભારતીયોને વિદેશમંત્રાલય તબીબી સહાય પહોંચાડે:શરદ પવાર

09 March, 2020 05:41 PM IST  |  Mumbai Desk

ઈરાનમાં રઝળી પડેલા ભારતીયોને વિદેશમંત્રાલય તબીબી સહાય પહોંચાડે:શરદ પવાર

શરદ પવાર

એનસીપીના પ્રમુખ શરદ પવારે ગઈ કાલે ઇરાનમાં કોરોનાના રોગચાળાની મુસીબતમાં સપડાયેલા ૪૦ ભારતીયોને તબીબી સહાય પહોંચાડવાનો અનુરોધ વિદેશપ્રધાન એસ. જયશંકરને કર્યો હતો. કોરોના વાઇરસની તીવ્ર સમસ્યાનો સામનો કરતા દેશોમાં એક ઈરાનમાં ૧૯૪ જણ એ રોગચાળાનો ભોગ બન્યા છે. શરદ પવારે જણાવ્યું હતું કે ‘ઈરાનમાં કોરોનાનો ચેપ ફેલાયાના ચોવીસ કલાકમાં ૪૯ જણ મૃત્યુ પામતાં પરિસ્થિતિ ગંભીર છે અને એના કોમ શહેરમાં ૪૦ ભારતીયો પરેશાની ભોગવે છે. તેમને વિદેશ મંત્રાલયે તાત્કાલિક તબીબી સહાય પહોંચાડવી અનિવાર્ય છે.’

ઈરાનના ૩૧ પ્રાંતોમાં કોરોનાના રોગચાળાના ૬૫૬૬ કન્ફર્મ્ડ કેસ નોંધાયા છે. ત્યાંની શાળા-કૉલેજો અને યુનિવર્સિટીઓ એપ્રિલ મહિના સુધી બંધ રાખવામાં આવી છે. કેટલાક વખત માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખેલકૂદનાં મોટાં આયોજનો મુલતવી રાખવામાં આવ્યાં છે. રોગચાળાને કારણે ઈરાનની ઑફિસો અને કારખાનાંમાં કામકાજના કલાકો પણ ઘટાડવામાં આવ્યા છે.

અજિત પવારની સાવચેતી : હૅન્ડશેકને બદલે ફક્ત નમસ્તે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસના રોગચાળા સામે સાવચેતી માટે હું હૅન્ડશેક કરતો નથી, ફક્ત ‘નમસ્તે’ કરું છું. હું સ્વચ્છતા પ્રિય વ્યક્તિ છું. મને ગંદકી ગમતી નથી. તમે આજે જોયું હશે કે મને મળવા આવનારી વ્યક્તિઓ શેક હૅન્ડ માટે હાથ લંબાવે તો હું તેમને બે હાથ જોડીને ‘નમસ્તે’ કરું છું. ઘણાને એવું પણ લાગે છે કે હું નાયબ મુખ્ય પ્રધાન બન્યાના અભિમાનમાં આવું કરું છું, પરંતુ ખરેખર એવું નથી.’

coronavirus mumbai sharad pawar ajit pawar