નકલી દારૂના દૂષણને ડામવા એક્સાઇઝે બારમાંથી સૅમ્પલ લેવાની શરૂઆત કરી

08 November, 2011 08:25 PM IST  | 

નકલી દારૂના દૂષણને ડામવા એક્સાઇઝે બારમાંથી સૅમ્પલ લેવાની શરૂઆત કરી

 

જો કોઈ બારમાલિક ગ્રાહકોને નકલી દારૂ આપતો પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એપ્રિલ મહિનાથી દારૂની એક્સાઇઝ ડયુટીમાં વધારો કરવામાં આવતાં દારૂ મોંઘો થયો અને એને લીધે નકલી દારૂના વેચાણમાં વધારો થતાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

‘મિડ-ડે’એ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દમણ, દીવ તથા ગોવામાંથી આવતા નકલી તથા સસ્તા દારૂના દૂષણને ડામવાના પ્રયત્નો કરતો હોવાના અહેવાલ પ્રગટ કર્યા હતા. એથી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એ મેળવી શકાય. તાજેતરમાં સ્ટેટ એક્સાઇઝ મિનિસ્ટર ગણેશ નાઇક સાથે ચર્ચા કર્યા બાદ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. એથી બારમાં વેચાતા દારૂનાં સૅમ્પલની ગવર્નમેન્ટ લૅબમાં ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે નકલી દારૂને સારી બ્રૅન્ડની બૉટલમાં પૅક કરીને રીટેલર તથા બારમાલિકોને સપ્લાય કરવામાં આવે છે. જોકે બીજી તરફ ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશનના પ્રમુખ સુધાકર શેટ્ટીએ એક્સાઇઝના આ પગલાને અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે સરકારે આ પ્રવૃત્તિને ડામવા બૂટલેગરોને પકડવા જોઈએ.