લિકર ચૉકલેટ વેચનારા પર આવશે તવાઇ

01 December, 2011 08:56 AM IST  | 

લિકર ચૉકલેટ વેચનારા પર આવશે તવાઇ



શું તમને ખબર છે કે જો તમે કોઈ દુકાનમાં જઈને તમારી ફેવરિટ લિકર-ચૉકલેટ માગો તો તમારે પરમિટ બતાવવી ફરજિયાત છે? એટલું જ નહીં, આવી ચૉકલેટ બનાવનારા તેમ જ વેચનારાઓ પાસે પણ એના વેચાણ માટેનું લાઇસન્સ હોવું ફરજિયાત છે. તાજેતરમાં સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે વાશીના સાનપાડા વિસ્તારમાં કૉલેજના વિદ્યાર્થીઓને ચૉકલેટ વેચતા એક ૨૫ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. ક્રિસમસ તેમ જ નવા વર્ષની ઉજવણી દરમ્યાન જેમનો ધંધો પુરજોશમાં ખીલતો હોય તેવા લિકર-ચૉકલેટના વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે ઉચ્ચારી છે. વળી આવી લિકર-ચૉકલેટ વેચનારાઓ પર રેઇડ પાડવા માટે ફલાઇંગ સ્ક્વૉડ પણ બનાવી છે. એક્સાઇઝ કમિશનર સંજય મુખરજીએ કહ્યું હતું કે કૉલેજ જતા વિદ્યાર્થીઓને આવી ચૉકલેટ દ્વારા વ્યસની બનાવનારાઓ સામે પગલાં ભરવા લોકોએ સામેથી અમારા વિભાગને મદદ કરવી જોઈએ.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે રાજ્યનાં પબ તથા રેવ પાર્ટી પર પણ જાપ્તો ગોઠવ્યો છે. આવી જગ્યાએ લિકર-ચૉકલેટનું વેચાણ થાય છે. દરમ્યાન લિકર-ચૉકલેટ ઉત્પાદકોના મતે કાયદાપોથીમાં વર્ષોથી આરામ ફરમાવી રહેલા આવા કાયદાઓને અચાનક બહાર કાઢવામાં આવે છે. તેમને આવા લાઇસન્સની કોઈ ખબર નહોતી છતાં માત્ર એક ચમચી લિકર નાખનારાઓ સામે કાર્યવાહી કરવા કરતાં બનાવટી લિકરનો વેપાર કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેમ જ ચૉકલેટમાં કેટલી માત્રામાં લિકર નાખવું એની મર્યાદા નક્કી કરવી જોઈએ.