રૂપમના સેલ્સમૅનને છેતરીને ઠગ ૧૦,૦૦૦ રૂપિયા લઈને ફરાર

16 November, 2014 05:51 AM IST  | 

રૂપમના સેલ્સમૅનને છેતરીને ઠગ ૧૦,૦૦૦ રૂપિયા લઈને ફરાર




ક્રાૅફર્ડ માર્કેટમાં આવેલા જાણીતા શોરૂમ રૂપમમાં ગઈ કાલે કસ્ટમર બનીને ખરીદી કરવા આવેલો માણસ શોરૂમના કર્મચારી સાથે ૧૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરીને નાસી છૂટ્યો હતો. જોકે પૂરો બનાવ CCTV કૅમેરામાં રેકૉર્ડ થઈ ગયો હોવાથી તેને શોધવો આસાન બની શકે છે. આ ફ્રૉડે મુંબઈના અનેક વિસ્તારોમાં વેપારીઓને આ રીતે જ મૂરખ બનાવ્યા હોવાનું કહેવાય છે.

રૂપમના માલિક વીરેન શાહે પૂરા બનાવ બાબતે કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે સાડાપાંચથી છ વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. ખરીદી કરવાને બહાને આવેલા માણસે પહેલાં શોરૂમમાંથી ૬૫૦૦ રૂપિયાની ચૉકલેટ કઢાવીને બાજુમાં રખાવી હતી. પછી પૈસા ચૂકવતા સમયે તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી શોરૂમના કૅશિયર પાસે જઈને તેણે કોઈ માણસને તેની સાથે મોકલવા માટે કહ્યું હતું તેમ જ તેની પાસે ૫૦ રૂપિયાની નોટનાં બંડલ છે અને જો તેમને છુટ્ટા પૈસા જોઈતા હોય તો એ આપવા પણ તૈયાર છે એવું તેણે કહ્યું હતું.’

કૅશિયરે એક માણસને દસ હજાર રૂપિયા લઈને પેલા ફ્રૉડ માણસ સાથે બહાર પૈસા લેવા માટે મોકલ્યો હતો એમ જણાવતાં વીરેન શાહે વધુમાં કહ્યું હતું કે ‘થોડેક દૂર જતાં પેલાએ મારા માણસ પાસેથી દસ હજાર રૂપિયા લઈ લીધા હતા અને છુટ્ટા પૈસાની સાથે જ ચૉકલેટના પૈસા નજીકમાં આવેલા એક બિલ્ડિંગમાં પહેલા માળે જઈને લેવા કહ્યું હતું. એટલે મારો માણસ એ દિશામાં ગયો, પણ ત્યાં કોઈ બિલ્ડિંગ જ આવેલું ન હોવાનું જણાતાં અમારો માણસ તરત પેલા ફ્રૉડ માણસ તરફ ટર્ન થયો, પણ એટલી વારમાં પેલો રફુચક્કર થઈ ગયો હતો.’