જાતિ-ધર્મની બદનામી બદલ વાનખેડેએ નવાબ મલિક સામે ફરિયાદ નોંધાવી

16 August, 2022 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જમાઈની ડ્રગ્સ મામલામાં ધરપકડ કર્યા બાદ એનસીપીના જેલમાં બંધ નેતાએ વ્યક્તિગત આરોપ કર્યા હોવાથી ગોરેગામ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાયો : એસીપી સ્તરના અધિકારી તપાસ કરશે

ગઈ કાલે સમીર વાનખેડેને ગાયક અનુપ જલોટાના હસ્તે ભારત કી શાન અવૉર્ડ આપવામાં આવ્યો હતો. (તસવીર : સતેજ શિંદે)

કાર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ મામલે ગયા વર્ષે અચાનક ચર્ચામાં આવેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના તત્કાલિન ડિરેક્ટર સમીર વાનખેડેએ એનસીપીના જેલમાં બંધ નેતા નવાબ મલિક સામે રવિવારે ગોરેગામ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો હતો. ફરિયાદમાં તેમણે નોંધ્યું છે કે જમાઈની ડ્રગ્સના કેસમાં એનસીબીએ ધરપકડ કરવાથી નવાબ મલિકે વ્યક્તિગત હુમલા કરીને જાતિ અને ધર્મ બાબતે બદનામી કરી છે. આ મામલે તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. એફઆઇઆર નોંધાયા બાદ આ મામલાની તપાસ એસીપી સ્તરના અધિકારીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ઇન્ડિયન રેવેન્યુ સર્વિસ (આઇઆરએસ) ઑફિસર સમીર વાનખેડેએ રવિવારે ગોરેગામ પોલીસ સ્ટેશનમાં જઈને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક સામે પોતાની બદનામી કરવા સંબંધિત ફરિયાદ નોંધાવીને તપાસની માગણી કરી છે. કાસ્ટ સમિતિએ તાજેતરમાં જ સમીર વાનખેડેની જાતિનું સર્ટિફિકેટ બોગસ ન હોવાનું કહીને તેમને ક્લીન ચિટ આપી હતી.

ડિસ્ટ્રિક્ટ કાસ્ટ સર્ટિફિકેટ વેરિફિકેશન કમિટીએ શુક્રવારે જ આઇઆરએસ અધિકારી સમીર વાનખેડે કે તેમના પિતા તેમ જ પરિવારજનો જન્મથી કે બાદમાં પણ મુસ્લિમ હોવાના કોઈ પુરાવા હાથ નથી લાગ્યા. તેઓ મહાર જાતિના હિન્દુ હોવાના સર્ટિફિકેટ તેમણે રજૂ કર્યા છે એ યોગ્ય હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. આથી તેમની સામે આ સંબંધે નોંધવામાં આવેલી ફરિયાદ રદ કરવામાં આવે છે.

ક્લીન ચિટ મળ્યા બાદ સમીર વાનખેડેએ પોતાની અને પરિવારની બદનામી કરવાની ફરિયાદ નવાબ મલિક સામે નોંધાવી છે. સમીર વાનખેડેએ શાહરુખ ખાનના પુત્રની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ નવાબ મલિકે અનેક પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને સમીર વાનખેડેએ ખોટા સર્ટિફિકેટને આધારે સરકારી નોકરી મેળવી છે અને તેઓ હિન્દુ નહીં, મુસ્લિમ છે એવો આરોપ કર્યો હતો. આ સંબંધે સમીર વાનખેડે સામે કાસ્ટ વેરિફિકેશન કમિટીમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

ગોરેગામ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘તેમણે રવિવારે સમીર વાનખેડેની નવાબ મલિક પર બદનામી કરવાની ફરિયાદ નોંધી છે. આઇપીસીની કલમ ૫૦૦, ૫૦૧ અને જાતિ સંબંધી કલમ અંતર્ગત એફઆઇઆર લેવામાં આવ્યો છે. આ મામલાની તપાસ એસીપીને સોંપવામાં આવી છે.’

ઉલ્લેખનીય છે કે નવાબ મલિક અત્યારે મની લૉન્ડરિંગ મામલામાં આર્થર રોડ જેલમાં બંધ છે. 

mumbai mumbai news wankhede nawab malik