વોટ કોને આપવો?

10 October, 2014 06:07 AM IST  | 

વોટ કોને આપવો?



વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખાસ આ વખતે બહુકોણીય જંગ જોવા મળવાનો હોવાથી લોકોની યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની મુશ્કેલી દૂર કરવા માટે www.sahinishaan.in મદદરૂપ થવા સક્રિય બની છે. એમાં મતદારોને પસંદ કરવા માટે માપદંડોની અમુક ટિપ્સ અપાય છે. વેબસાઇટ www.sahinishaan.in મતદારોને ઉમેદવારોના રેટિંગનું કૅલ્ક્યુલેટર આપે છે. ઉમેદવારોની કામગીરી અને ક્ષમતા-પ્રતિભાને આધારે તેમને ગુણાંક આપીને વિશ્લેષણ કરવાનો તખ્તો મળે છે. મતદારે તેની અપેક્ષાઓ તથા અન્ય બાબતોનાં ફીલ્ડ્સ ભરવાનાં હાય છે. એ પછી ફૉર્મ પૂરેપૂરું ભરાઈ જાય ત્યારે રિઝલ્ટ આપોઆપ તૈયાર થઈને સ્ક્રીન પર ઉપસ્થિત થાય છે. આ વેબસાઇટ ૧ ઑક્ટોબરે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નીતિન ગદ્રે સમક્ષ લૉન્ચ કરવામાં આવી.

આ વેબસાઇટનાં પ્રોજેક્ટ ઑફિસર સોનિયા ખુદાનપુરે વેબસાઇટનો ઉદ્દેશ સમજાવતાં કહ્યું હતું કે ‘મતદારોને મત આપતાં પહેલાં વિચારતા કરવાના ઇરાદાથી અમે આ વેબસાઇટ લૉન્ચ કરી છે. માત્ર મત આપવા ખાતર આપી દેવો એ પૂરતું નથી. પૂરેપૂરી માહિતી અને સભાનતાથી બુદ્ધિપૂર્વક મતદાન કરવામાં આવે એમ અમે ઇચ્છીએ છીએ. આ વેબસાઇટ પાર્લમેન્ટરી લૅજિસ્લેટિવ રિસર્ચ અને અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રીફૉમ્ર્સ જેવી વિવિધ એજન્સીઓ સાથે જોડાયેલી છે.’                

નાશિકના યુવકે તૈયાર કરી મતદારકેન્દ્રની માહિતી આપતી મોબાઇલ ઍપ્લિકેશન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ નાશિકના બાવીસ વર્ષના એક યુવકે રાજ્યના વોટર્સ પોતાના મતદાનકેન્દ્ર વિશેની માહિતી મેળવી શકે એ માટે એક મોબાઇલ ઍપ્લિકેશન ડેવલપ કરી છે. તાજેતરમાં અમેરિકામાં જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં ડિગ્રી ર્કોસ પૂરો કરનારા આ ડેટા-સાયન્ટિસ્ટ શ્રીકાંત નિંબાળકરે કહ્યું હતું કે ‘કોઈ પણ વોટર પોતાના મોબાઇલ ફોનની ઍન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા ગૂગલ પ્લેસ્ટોરમાંથી ‘મતદારયાદી ઍપ’ ડાઉનલોડ કરી શકે છે. એમાં મતદારયાદી ઑપ્શનમાં જઈને પોતાનું નામ અને જરૂરી વિગતો ભરવાથી તેને પોતાનું પોલિંગ-સ્ટેશન ક્યાં છે એની માહિતી મળી જશે. ખાસ કરીને નવા નોંધાયેલા મતદારોને આ ઍપ્લિકેશન ઉપયોગી નીવડશે.’