ઠંડા ઠંડા, કૂલ કૂલ...

14 October, 2021 08:12 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈમાં નવી આવનાર દરેક લોકલ ટ્રેન હવે એસી જ હશે : સેમી-એસી લોકલ કરવાની પ્રપોઝલ પડતી મુકાઈ

ઠંડા ઠંડા, કૂલ કૂલ...

મુંબઈગરાઓના જીવ બચાવવા માટે રેલવે બોર્ડે ખૂબ જ મહત્ત્વનો મુંબઈની લોકલ માટે નિર્ણય લીધો છે. એ અનુસાર હવે મુંબઈમાં આવનારી નવી લોકલ ફક્ત ને ફક્ત એસી લોકલ જ હશે. મુંબઈ માટે કદાચ આ ઐતિહાસિક નિર્ણય સાબિત થઈ શકે એમ છે. જ્યારે કે હાલમાં દોડતી લોકલને સેમી-એસી કરવાની પ્રપોઝલને પડતી મુકાઈ છે. એથી મુંબઈગરાઓ, ભવિષ્યમાં ઠંડોગાર પ્રવાસ કરવા તૈયાર થઈ જાઓ. 
    તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી રેલવે બોર્ડની ઉચ્ચ સ્તરના અધિકારીઓ સાથેની મીટિંગમાં મુંબઈ માટે વિશેષ નિર્ણય લેવાયો છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ સામે રેલવે અકસ્માતનો વિષય મુકાયો હતો. એથી હવે મુંબઈમાં ખરીદવામાં આવનારી તમામ લોકલ એસી ટ્રેન જ હશે.     
    એક નિર્ણયથી અનેક જીવોને બચાવી શકાય એમ કહેતાં અને મુંબઈમાં આવનાર બદલાવ વિશે માહિતી આપતાં મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશનના ચૅરમૅન ઍન્ડ મૅનેજિંગ ડિરેક્ટર રવિ અગ્રવાલે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘રેલવેપ્રધાને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે આવનાર હવે દરેક લોકલ ટ્રેન એસી જ હશે. એથી મુંબઈમાં ભવિષ્યમાં આવનાર દરેક લોકલ ટ્રેન એસી જ હશે. આ નિર્ણય લેવાનાં અનેક કારણોમાંથી મુખ્ય બે કારણ એ છે કે મુંબઈમાં દર વર્ષે રેલવે અકસ્માતમાં આશરે અંદાજ લગાડીએ તો ૬૦૦થી ૭૦૦ પ્રવાસીઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ અકસ્માતને રોકવા માટે ટ્રેનના દરવાજા બંધ કરવા જરૂરી છે અને દરવાજા બંધ કરીએ તો ટ્રેનની અંદર ફક્ત પંખા સાથે રહી શકાય એમ નથી. એટલે એ માટે એસી હોવું જરૂરી જ છે. બીજું કારણ એ પણ છે કે મુસાફરી કરવાનાં અન્ય માધ્યમ જેમ કે મેટ્રો, બેસ્ટની બસો વગેરે બધા માધ્યમમાં એસીનો વિકલ્પ આવી જ ગયો છે. તેમ જ રેલવે બોર્ડ પણ કોઈ પણ નિર્ણય લે તો આવનારાં ૨૫થી ૩૦ વર્ષ પછીનું વિઝન ધ્યાનમાં રાખીને લેતું હોય છે. એ વખતે એસીની સુવિધા તમને દરેક ઠેકાણે મળી રહેશે. આમ પ્રવાસીઓને સુરક્ષા અને સુવિધા બન્ને આપી શકાશે.’
    સામાન્ય પ્રવાસીઓને પરવડી શકે એવું ટિકિટ ફેર હશે એમ કહેતાં રવિ અગ્રવાલે ઉમેર્યું કે ‘ટ્રેનમાં સામાન્ય વર્ગના પ્રવાસીઓ પણ પ્રવાસ કરતા હોય છે. એથી સિંગલ જર્ની ટિકિટનું ફેર પણ એ ધ્યાનમાં લઈને રાખવામાં આવશે.’

Mumbai mumbai news mumbai local train mumbai railways preeti khuman-thakur indian railways