24 April, 2022 10:25 AM IST | Mumbai | Rohit Parikh
ઘાટકોપર (વેસ્ટ)ની નંદલાલ પોપટલાલ ચાલના રીડેવલપમેન્ટની ડેવલપરની વેચવાની ઇમારતનું જોરશોરથી ચાલી રહેલું કામ
ઘાટકોપર-વેસ્ટમાં સર્વોદય હૉસ્પિટલની બાજુમાં આવેલી નંદલાલ પોપટલાલ ચાલના મધ્યમ વર્ગના ૬૩ ગુજરાતી પરિવારોએ પાંચ વર્ષ પહેલાં નવા ફ્લૅટની આશા સેવી હતી. જોકે તેમના ડેવલપર તરફથી પાંચ વર્ષમાં તેમને ભાડાંની રકમ મળી નથી અને ડેવલપર તેમની જૂની જગ્યાને રીડેવલપ કરવાને બદલે તેને વેચવા માટેના ફ્લૅટોની ઇમારત પર જ લક્ષ આપતો હોવાથી ભાડૂતો આક્રોશમાં આવી ગયા છે. આજે આ ભાડૂતો ડેવલપરની દુર્લક્ષતા સામે અને તેમને વહેલી તકે ડેવલપર ભાડું ચૂકવે એ માગણી સાથે નંદલાલ પોપટલાલ ચાલના પરિસરમાં તંબુ બાંધીને ધરણાં કરવાના છે.
આ બાબતની માહિતી આપતાં જેના ભાડાના ચેક બાઉન્સ થયા છે એવા એક ભાડૂત મનીષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ચાલના રહેવાસીઓએ વિશ્વાસ કરીને ઇનોવેન્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નરેશ બાફના અને તેમના પાર્ટનરોને ચાલનું રીડેવલપમેન્ટ આજથી પાંચ વર્ષ પહેલાં ઍગ્રીમેન્ટ કરીને સોંપ્યું હતું. તેમણે પહેલા વર્ષે અમને ભાડું આપી દીધું હતું અને સમયસર પ્રોજેક્ટ પૂરો કરવાની બાંયધરી પણ આપી હતી. જોકે બીજા જ વર્ષે તેમણે આપેલા ચેકો બાઉન્સ થતાં અમે દસ ભાડૂતોએ કંપનીની સામે કોર્ટમાં કેસ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી અમને કોર્ટમાંથી તારીખ પે તારીખ મળવા સિવાય કશું જ મળતું નથી. શુક્રવારે પણ અમને કોર્ટમાંથી તારીખ જ મળી છે.’
અમે અનેક રીતે અમારા ડેવલપર સાથે સંબંધો બની રહે અને અમને અમારાં ઘરો વહેલી તકે મળે એ માટે ખૂબ જ પ્રયાસો કર્યા હતા, પણ અમને નથી ભાડું મળતું કે નથી અમારી ઇમારતનું અટકેલું કામ ફરીથી શરૂ થતું એમ ચાલના રહેવાસી પારસ ભાયાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.
અમે બધા જ મધ્યમ વર્ગના છીએ અને અત્યારે જ્યાં રહીએ છીએ એ ઘરનું ભાડું કેમ ચૂકવીએ છીએ એ અમારું મન જાણે છે એમ જણાવતાં હરિભાઈ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક તો એવી વસ્તુ કે દસ્તાવેજ હોય જેનાથી અમે ટેન્શનમુક્ત બનીને જીવી શકીએ. અમારા ડેવલપરને અમારી સહેજ પણ ચિંતા નથી. તેમને ફક્ત તેમની આર્થિક મુસીબત દેખાય છે. તેમની આ નીતિને કારણે જ અમારે નાછૂટકે આજે ધરણાં કરવા મેદાનમાં ઊતરવાની નોબત આવી છે.’
ડેવલપર શું કહે છે?
ઇનોવેન્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાર્ટનર નરેશ બાફનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મોટા ભાગના ભાડૂતોને ભાડાની રકમ ચૂકવી રહ્યા છીએ. અમને થોડી તકલીફ હોવાથી અમે ભાડાં સમયસર ચૂકવી શકતા નથી. જે ભાડૂતોના ચેક બાઉન્સ થયા છે તેમની સાથે પણ અમારી વાતચીત ચાલી રહી છે. આ ભાડૂતોએ શરૂઆતમાં મને થોડો હેરાન કર્યો હતો, પણ મારા બધા જ ભાડૂતો સાથે સારા સંબંધો છે. મેં વધારાની ૪૭ ટકા જગ્યા આપી છે. મેં ભાડું પણ તેમણે માગ્યું એ ઍગ્રી કર્યું છે. મને ભાડૂતો પાસેથી છ મહિનાનો સમય જોઈએ છીએ. અનેક ભાડૂતોને ભાડાની ચિંતા નથી, પણ અમુક ભાડૂતો તેમને ચડાવીને મારો પ્રોજેક્ટ રૂંધી રહ્યા છે.’