મહાવિતરણના મહાગોટાળા, લૉકડાઉનમાં કર્મચારીઓએ રીડિંગ ન લીધું

28 June, 2020 02:26 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

મહાવિતરણના મહાગોટાળા, લૉકડાઉનમાં કર્મચારીઓએ રીડિંગ ન લીધું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કારણે લૉકડાઉનના સમયમાં ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સંભાળતી સરકારી કંપની મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ-મહાવિતરણના કર્મચારીઓ સોસાયટીઓમાં કે ઘરે-ઘરે જઈને ઇલેક્ટ્રિક મિટરનું રીડિંગ ન લઈ શક્યાં અને હવે જ્યારે રીડિંગ લીધું ત્યારે લાસ્ટ રીડિંગ અને અત્યારના રીડિંગની ગણતરી કરી વપરાયેલા યુનિટનો ચાર્જ ઠોકી દીધો છે. વસઈ-વિરાર બેલ્ટના તેના ગ્રાહકોને હજારો રૂપિયાનાં બિલો મોકલાતાં ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વળી નિયમ મુજબ જો તમારે ફરિયાદ કરવી હોય તો પહેલાં એ બિલ ભરી દેવું પડે અને પછી એ બિલ વિશે કોઈ ફરિયાદ હોય તો એ સાંભળવામાં આવે અને એનો કંપની નિકાલ કરે. આમ હાલ ગ્રાહકોની હાલત કફોડી થઈ ગઈ છે. એક બાજુ લૉકડાઉનને કારણે કામ-ધંધા ઠપ્પ છે અને એમાં ઉપરથી આ અધધધ રકમના બિલ મળતાં હાલ બાપડા ગ્રાહકોની હાલત પડ્યા પાર પાટુ જેવી થઈ ગઈ છે. 

આ બાબતે જ્યારે મહાવિતરણનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમના પબ્લિક રિલેશન ઑફિસર પી. એસ. પાટીલે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘લૉકડાઉનના કારણે અને ઘણી જગ્યાએ કન્ટેઇનમેન્ટ ઝોનના કારણે અમારા કર્મચારીઓ મિટર રીડિંગ લેવા જઈ શક્યા નહોતા. એથી એપ્રિલ અને મે મહિનાના જે સરાસરી બિલ હોય છે એ મુજબ અમે ગણતરી કરીને બિલ મોકલાવ્યાં છે. વળી આ એપ્રિલથી વીજના દરમાં પણ વધારો થયો છે. ત્રીજું, દર વર્ષે લોકો તો કામ-ધંધે જતા હોય છે. જ્યાં આ વર્ષે મોટા ભાગના લોકો લૉકડાઉનના કારણે ઘરે જ હતા. એથી વીજળીનાં ઉપકરણો જેવાં કં પંખો, એસી., ટીવી, લૅપટૉપ, મોબાઇલનો વપરાશ બહુ જ વધી ગયો હતો એથી પણ વીજળીની ખપત વધી હતી. એમ છતાં જો કોઈને ફરિયાદ હોય તો તેઓ અમારી વેબસાઇટ https://billcal.mahadiscom.in/consumerbill/ પર જઈને તેમનો ગ્રાહક નંબર ફીડ કરી તેમના બિલની આકારણી–ગણતરી કઈ રીતે કરાઈ છે એ ચેક કરી શકે છે. એ ઉપરાંત રાજ્યમાં દરેક ઠેકાણે મહાવિતરણની ઑફિસોમાં ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે. ત્યાં જઈને પણ તેઓ તેમની રજૂઆત કરી શકે છે. એ સિવાય મોટી રકમનાં બિલ આવ્યાં હોવાની શંકા હોય તો અમારી વેબિનારમાં પણ તેઓ ભાગ લઈ શકે છે.

આ બિલની રકમ જો તેમને વધારે લાગતી હોય તો તેઓ એ રકમ હપ્તામાં ભરી શકે એવી અમે તેમને છૂટ આપી છે. લૉકડાઉનના આ ત્રણ મહિના જેમણે બિલ નથી ભર્યાં તેમને અમે કોઈ વધારાની પેનલ્ટી ઠોકી નથી. એમ છતાં જો ગ્રાહકોને બિલ બાબતે ફરિયાદ હોય તો અમારા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.’

mumbai mumbai news