ફ્લિપકાર્ટના ભેજાબાજ કર્મચારીએ કરી કંપની સાથે જ ગજબની છેતરપિંડી

28 February, 2021 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લિપકાર્ટના ભેજાબાજ કર્મચારીએ કરી કંપની સાથે જ ગજબની છેતરપિંડી

નવી મુંબઈની કોપરખૈરણે પોલીસે ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટના ભેજાબાજ કર્મચારીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર તેના બે સાગરીતો સાથે ઝડપી લીધો છે. તેની પાસેથી તફડંચી કરીને મેળવેલા જાણીતી કંપનીઓના ૮ લાખ રૂપિયા કરતાં વધુના મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યાં હતાં. નવાઈની વાત એ છે કે કંપનીને તેની સાથે આવી છેતરપિંડી થઈ છે એ વાતની જાણ જ નહોતી. કોપરખૈરણે પોલીસે જ્યારે એ કહ્યું ત્યાર બાદ તેમને એ વિશે જાણ થઈ હતી. 

ઑનલાઇન ગુડ્સ વેચતી કંપની ફ્લિપકાર્ટ સાથે કરવામાં આવેલી છેતરપિંડીના કેસ વિશે માહિતી આપતાં કોપરખૈરણે પોલીસ-સ્ટેશનના સિનિયર પીઆઇ પ્રદીપ તિડરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ખબરી મારફત માહિતી મળી હતી કે ઘણસોલીના સેક્ટર-૧માં રહેતા વાજિદ શકીલ મોમિન પાસે અલગ-અલગ કંપનીના મોંઘા મોબાઇલ ફોન જોવા મળ્યા છે. એથી તેને તાબામાં લઈને તપાસ કરતાં તેની પાસેથી એક સૅમસંગ કંપનીનો ફોન અને એક આઇફોન-૧૧ મળી આવ્યા હતા. તેને જ્યારે આ ફોનનાં બિલ પ્રોડ્યુસ કરવા કહ્યું ત્યારે તે ગલ્લાંતલ્લાં કરવા માંડ્યો હતો અને આખરે ગુનો કબૂલી લીધો હતો. વાજિદ ફ્લિપકાર્ટમાં ઑફલોડ ટીમ-લીડર તરીકે કામ કરતો હતો. તે ખોટા ઍડ્રેસ પર વસ્તુઓ મગાવતો. એ ઍડ્રેસ જ્યારે ન મળ‍તું ત્યારે ડિલિવરી બૉય એ વસ્તુ પાછી લાવતો અને એને રિટર્ન ગુડ તરીકે જમા કરાવતો. પહેલાં એ પાર્સલ વાજિદ પોતાના ઘરે લઈ જતો. ત્યાર બાદ એમાંની ચીજો કાઢી લેતો અને એના જેટલા જ વજનનો સાબુ કે અન્ય ચીજ ગોઠવી દેતો. ત્યાર બાદ એ પાર્સલ ફરી કંપનીમાં ચાલ્યું જતું.’

કંપનીમાં રોજનાં લાખો પાર્સલની હેરફેર થતી એટલે આ બાબતે કોઈ ખાસ ધ્યાન આપતું નહીં એમ જણાવીને સિનિયર પીઆઇ પ્રદીપ તિડરે વધુમાં કહ્યું હતું કે ‘અમે જ કંપનીને એ વિશે જાણ કરી હતી. અમે વાજિદની અને તેને આ છેતરપિંડી કરવામાં મદદ કરનાર તેના બે સાગરીત સંઘપાલ મોરે અને જયંત ઉગલેની પણ ધરપકડ કરી છે. અમે ગુનો નોંધીને તેમની પાસેથી ૬ આઇફોન, ૩ રિયલ મીના મોબાઇલ ફોન, ૫ સૅમસંગ ફોન, ૩ વિવો, ૧ ટેક્નો, ૧ ઓપ્પોનો મોબાઇલ ફોન, ઍપલ અને લેનોવો કંપનીનાં ૧-૧ આઇપૅડ, ફોસિલ કંપનીની ૧ રિસ્ટવૉચ, એક અનેય રિસ્ટવૉચ, એક નિકોન કૅમેરા, એક સોની કૅમેરા, બે ટ્રાવેલિંગ બૅગ એમ કુલ મળીને ૮.૨૪ લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. આ છેતરપિંડી વિશે અમે ત્યાર બાદ ફ્લિપકાર્ટ કંપનીના ટીમ-લીડર પ્રદીપ ઉપાધ્યાયને જાણ કરી હતી. આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને આજ સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.’

mumbai mumbai news mumbai police Crime News mumbai crime news flipkart