શાબાશ, કોરોના વૉરિયર્સ

31 October, 2020 12:31 PM IST  |  Mumbai | Mumbai correspondent

શાબાશ, કોરોના વૉરિયર્સ

કોવિડ સેંટરમાં ચપળતાથી આગ બુઝાવીને દુર્ઘટનાને ટાળવા બદલ નર્સ અને ડૉક્ટર સહિતના કોવિડ વૉરિયર્સનું સન્માન કરાયું હતું.

કોવિડ સેન્ટરની નર્સો અને ડૉક્ટરોની ઇમર્જન્સીમાં આગ કેવી રીતે બુઝાવવી એની ટ્રેઇનિંગની ફલશ્રુતિ ગુરુવારે દહિસરના આઇ.સી.યુ. કોવિડ સેન્ટરમાં જોવા મળી હતી. આ કોવિડ સેન્ટરમાં કોવિડના પેશન્ટની બાજુમાં રાખેલા ગરમ પાણીમાંથી સ્ટીમ પેદા કરતા મશીનમાં આગ લાગી હતી, જે ત્યાંની નર્સની સમયસૂચકતાને કારણે ફેલાતી બચી ગઈ હતી. આ સેન્ટરમાં અત્યારે ૮૦ કોવિડ પેશન્ટો સારવાર લઈ રહ્યા છે. મેડિકલ સ્ટાફની સમયસૂચકતાને લીધે કોવિડ સેન્ટરમાં એક મોટી દુર્ઘટના ટાળી શકાતાં કોવિડ વૉરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. દહિસર કોવિડ કૅર સેન્ટરના મેડિકલ સ્ટાફની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે કારણકે હજી થોડા સમય પહેલાં જ દહિસરના જમ્બો કોવિડ કૅર સેન્ટરના ડીઝલ જનરેટરમાં આગ લાગી હતી અને એને કારણે પૅશન્ટ્સને બીજે શિફ્ટ કરવા દરમિયાન બે દરદીનાં મોત થયા હતા. આવી દુર્ઘટના દહિસરમાં ન ઘટી એનું પૂરું શ્રેય ત્યાંના સ્ટાફને જાય છે.
દહિસર (વેસ્ટ)ના કાંદરપાડા આઇ.સી.યુ. કોવિડ સેન્ટરના એક ડૉક્ટરે નામ ન જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે અંદાજે સવાબે વાગ્યાની આસપાસ પાણીમાંથી સ્ટીમ પેદા કરતા એક મશીનમાં પાણી ન હોવાથી આગ લાગી હતી. આ મશીન એક પેશન્ટની બાજુમાં જ હતું. મશીનમાં આગ લાગવાથી કોવિડ સેન્ટરમાં દોડાદોડી મચી ગઈ હતી. જોકે આ સેન્ટરની નર્સોએ અગ્નિશામકનો ઉપયોગ કરીને તરત જ આગને બુઝાવી નાખતાં મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી.’
દરેક કોવિડ સેન્ટરમાં ફાયર-બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ હોય છે. આમ છતાં કટોકટીના સમયે ફાયર-બ્રિગેડ પહોંચે એ પહેલાં જ આગને કેવી રીતે કાબૂમાં લેવી એના માટે નર્સો, ડૉક્ટરો અને વૉર્ડબૉયને ફાયર-બ્રિગેડ તરફથી ટ્રેઇનિંગ આપવામાં આવે છે. ઝોન-૭ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ શંકરવારે દહિસરના કોવિડ સેન્ટરની શરૂઆત પહેલાં જ કોવિડ સેન્ટરના દરેક મેડિકલ અને નૉનમેડિકલ સ્ટાફને આ ટ્રેઇનિંગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ સંદર્ભની માહિતી આપતા સ્થાનિક શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસલકરે મિડ-ડેને કહ્યું હતું કે, ઇશ્વર બધાંને આવી બહાદુર બેટીઓ આપે. મેડિકલ સ્ટાફને ફાયર બ્રિગેડે આપેલી ટ્રેનિંગને કારણે જ ગુરુવારે દહીંસરના આઈસીયુ કોવિડ સેન્ટરમાં એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. એક મશીનમાં આગ લાગેલી જોતાં જ ત્યાં હાજર રહેલી નર્સ અનુપમા તિવારી, કાજલ કનોજિયા, મમના મિશ્રા તેમજ ડૉકટર રવિ યાદવ, ડૉકટર આકાશ કલાસકર અને વૉર્ડ બોય જતીનની જાગરૂક બનીને અગ્નિશામકથી આગ બુજાવી નાંખી હતી. શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને મુંબઈ બિલ્ડિંગ રિપેર ઍન્ડ કન્સટ્રકશન બોર્ડના ચૅરમૅન વિનોદ ઘોસલકર, સ્થાનિક વિધાનસભ્ય વિલાસ પોટનીસ, આરોગ્ય સમિતિની અધ્યક્ષ પ્રવિણા મોરજકરના હસ્તે આ સેન્ટરના કોવિડ વૉરિર્યસને સન્માનિત કરવામાં આવ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19 mulund dahisar