સૈફી હૉસ્પિટલ ગુજરાતનાં આ ત્રણ બાળકોનું વજન કેવી રીતે ઉતારશે?

12 May, 2017 04:52 AM IST  | 

સૈફી હૉસ્પિટલ ગુજરાતનાં આ ત્રણ બાળકોનું વજન કેવી રીતે ઉતારશે?


રૂપસા ચક્રબર્તી

ગુજરાતનાં ત્રણ મેદસ્વી બહેન-ભાઈની બ્લડ-ટેસ્ટ સૈફી હૉસ્પિટલમાં કરવામાં આવી છે. તેમના પપ્પાએ ઈમાન અહમદના કેસ વિશે વાંચ્યું એ પછી તેમને સૈફી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. ત્રિપુટીના પપ્પા રોજમદાર તરીકે કામ કરીને દૈનિક ૧૫૦ રૂપિયા રળે છે અને પોતાનાં બાળકોને ભોજન કરાવવા માટે પોતાની કિડની વેચવાનો નિર્ણય તેમણે ૨૦૧૫માં કર્યો ત્યારે આ ત્રિપુટી પરત્વે લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

ગુજરાતના ઉના તાલુકાનાં આ ત્રણ મેદસ્વી બાળકો પૈકીની સાત વર્ષની યોગિતાનું વજન ૪૫ કિલો, તેની પાંચ વર્ષની બહેન અનિશાનું વજન ૬૮ કિલો અને તેમના ત્રણ વર્ષના ભાઈ હર્ષનું વજન ૨૫ કિલો છે. લેપ્ટિન રિસેપ્ટર પ્રોટીન નામના જીન્સમાં પરિવર્તનને કારણે તેઓ સખત મેદસ્વિતાનો ભોગ બન્યાં છે. આ બાળકો વિરલ કહી શકાય એવી આનુવંશિક ખામીનો ભોગ બન્યાં હોવાને કારણે બૅરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ તેમના માટે ઉપયોગી નથી. MC4R ઍગોનિસ્ટ નામની પ્રયોગાત્મક દવા તેમના માટે એકમાત્ર આશા છે અને એ દવા માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ છે.

આ ત્રિપુટીને તેમનાં બ્લડ-સૅમ્પલ્સ લેવા માટે ચોથી મેએ સૈફી હૉસ્પિટલમાં બોલાવવામાં આવી હતી. ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલાના સુપરવિઝન હેઠળ તેમના પર જરૂરી બ્લડ-ટેસ્ટ્સ કરવામાં આવી હતી. છઠ્ઠી મેના રોજ બાળકોને ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યાં હતાં.

આ કેસથી સારી રીતે વાકેફ એક ડૉક્ટરે કહ્યું હતું કે ‘સૈફી હૉસ્પિટલે બાળકોનાં બ્લડ-સૅમ્પલ્સ લીધાં છે, પણ એના પરિણામ માટે બે-ત્રણ મહિના રાહ જોવી પડશે. દરદીઓની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને અમે વધારે વિગત આપી શકીએ એમ નથી.’

આ ત્રિપુટીની સારવાર સૌથી પહેલાં કરી ચૂકેલા અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ડીન ડૉ. એમ. એમ. પ્રભાકરે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આ બાળકો વિરલ કહી શકાય એવી આનુવંશિકતા વિશેની બીમારીથી પીડાઈ રહ્યાં છે. અમે તેમની સારવાર માટે કૅમ્બ્રિજ અને વેલ્લોર હૉસ્પિટલ સાથે જોડાણ કર્યું હતું. તેમને સ્પેશ્યલ ડાયટ પર રાખવામાં આવ્યાં હતાં અને તેમના વજનમાં ૧૦૦૦ ગ્રામનો ઘટાડો થયો હતો, પણ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો એ પછી તેમનો પરિવાર અમારા સંપર્કમાં રહ્યો નહોતો.’


વારંવાર પ્રયાસ કરવા છતાં ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલાનો પ્રતિભાવ મેળવી શકાયો નહેતો.

બાળકો પહેલાં શું ખાતાં હતાં અને હવે શું ખાય છે?

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ૨૦૧૫માં આ બાળકો રોજ એક કિલો મોતીચૂર લાડુ, ચાર લીટર દૂધ, ઘી ચોપડેલી ૧૦ રોટલી અને ત્રણ લીટર છાશ ભોજનમાં લેતાં હતાં. વજન વધે નહીં એટલા માટે હવે તેમને સ્પેશ્યલ ડાયટ પર રાખવામાં આવ્યાં છે. અત્યારે તેઓ રોજ બે વખત બે-બે રોટલી અને શાકનું ભોજન જમી રહ્યાં છે.