વીજદરમાં ૧૬.૪૮ ટકાનો ધરખમ વધારો, એ પણ પહેલી ઑગસ્ટથી

17 August, 2012 08:28 AM IST  | 

વીજદરમાં ૧૬.૪૮ ટકાનો ધરખમ વધારો, એ પણ પહેલી ઑગસ્ટથી

 

પહેલી ઑગસ્ટથી લાગુ પડેલો આ વીજદરનો વધારો ગ્રાહકોને સપ્ટેમ્બરના તેમના ઇલેક્ટ્રિક બિલમાં જોવા મળવાનો છે. વીજદરમાં મહાવિતરણનો આ અત્યાર સુધીનો સહુથી મોટો વધારો છે. વીજળીના દરોમાં કરવામાં આવેલા વધારાની રાજ્યના બે કરોડ વીજગ્રાહકોને અસર થશે.

 

 

 મહાવિતરણના નવા દરવધારાને પગલે ગરીબીરેખા નીચેના ગ્રાહકોના ફિક્સ ચાર્જમાં ત્રણ રૂપિયાથી સીધો દસ રૂપિયાનો વધારો, તો એનર્જી ચાર્જમાં ઘટાડો કરીને ૮૯ પૈસાથી સીધો ૭૬ પૈસા કરવામાં આવ્યો છે. ઘરવપરાશના વીજગ્રાહકોનો ફિક્સ ચાર્જ સિંગલ ફેઝ માટે ૩૦ને બદલે ૪૦ રૂપિયા તો થ્રી ફેઝનો ૧૦૦ના બદલે ૧૩૦ રૂપિયા જેટલો થઈ ગયો છે.

 

રાજભવનના કર્મચારીઓને ઇલેક્ટ્રિક બિલનો આંચકો

 

ગવર્નર કે. શંકરનારાયણનના સેક્રેટરી સહિત પાંચ અન્ય અધિકારીઓ ઉપરાંત રાજભવનની નજીક રહેતા ૩૦૦ જેટલા કર્મચારીઓ છેલ્લા ૧૪ મહિનાથી વધુ રકમના ઇલેક્ટ્રિક બિલથી પરેશાન છે. રાજભવનમાં બેસાડેલાં કેટલાંક મીટરો પણ ખરાબ છે તો કેટલીક જગ્યાએ રીડિંગ પણ સરખી રીતે નથી લેવામાં આવતું. ખરાબ મીટરોને બદલવાની ખાતરી પણ બેસ્ટના અધિકારીઓએ આપી છે. બેસ્ટના જનરલ મૅનેજરે તમામ ફરિયાદોના નિકાલ માટે એક નોડલ ઑફિસરની પણ નિમણૂક કરી છે તેમ જ ગવર્નર ઑફિસ તથા આસપાસમાં રહેતા લોકોનાં તમામ ઘરોમાં લગાડવામાં આવેલાં મીટરોની ચકાસણી માટે એક એન્જિનિયરની ટીમ પણ મોકલવામાં આવશે.

 

બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ