સાઉથ મુંબઈના અનેક એરિયામાં બત્તી ગુલ

17 October, 2011 09:09 PM IST  | 

સાઉથ મુંબઈના અનેક એરિયામાં બત્તી ગુલ



આને કારણે હજારો લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો, જેમાં દુકાનો અને થિયેટરોનો પણ સમાવેશ હતો. ડૅમેજ થયેલા કેબલનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બેસ્ટ (બૃહનમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ) અન્ડરટેકિંગ દ્વારા ડીઝલ જનરેટરની મદદથી સપ્લાય પુન: સ્થાપિત કરવામાં આવી હતી. જે રહેવાસીઓ હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા હતા તેઓ ઘરની બહાર નહોતા નીકળી શક્યા, કારણ કે વીજળી ન હોવાથી લિફ્ટ બંધ થઈ ગઈ હતી. આનો સામનો અમુક સિનિયર ગવર્નમેન્ટ ઑફિસરોએ પણ કરવો પડ્યો હતો. આ વિશે કફ પરેડમાં રહેતાં રેશમા દર્યાનાનીએ કહ્યું હતું કે ‘અમે ઘરમાં ફસાઈ ગયા હતા. કારણ કે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. અમે ૧૪મા માળે રહીએ છીએ. મારી પ્રેગ્નન્ટ દીકરી પણ ઘરે હતી અને પાવર સપ્લાય બંધ થવાને કારણે તે ખૂબ જ હેરાન થઈ હતી.’

ઘણા રહેવાસીઓએ બેસ્ટના હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા હતા, પણ કાંઈ નહોતું થઈ શક્યું. કોલાબામાં રહેતા મોટા ભાગના રહેવાસીઓએ લાઇટ વગર જ દિવસની શરૂઆત કરવી પડી હતી. કોલાબામાં રહેતા પરવીન દારૂવાલાએ કહ્યું હતું કે ‘હું સવારે ઊઠ્યો ત્યારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ હતી. મેં બેસ્ટની ઑફિસમાં ફોન કરવાની ટ્રાય કરી, પણ કોઈ પ્રૉપર રિસ્પૉન્સ નહોતો મળ્યો.’

બેસ્ટના જનરલ મૅનેજર ઓ. પી. ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારથી અમારે ત્યાં લાઇટ નહોતી અને બપોરે ચાર વાગ્યે લાઇટ આવી હતી. બાર કલાક સુધી પાવર ફેલ્યર હતું.’