ધોળા દિવસે ‘અંધારપટ’

18 May, 2022 08:22 AM IST  |  Mumbai | Anurag Kamble

સિદ્ધાર્થ કૉલોનીમાં રહેતા લોકોને તેમનું લાઇટનું બિલ ભરવા માટે બે દિવસનો સમય આપવા છતાં એને ખાસ પ્રતિસાદ ન સાંપડતાં સમયમર્યાદા વીતી જવાથી વીજકંપનીએ પુરવઠો ખોરવી નાખ્યો

૧૨ મેએ અદાણી ઇલેક્ટ્રિસિટીની તિલકનગર ઑફિસની બહાર દેખાવકારોએ વિરોધ નોંધાવ્યો હતો.

બિલ ચૂકવવા માટે અપાયેલો બે દિવસનો સમય પૂરો થતાં અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે વીજપુરવઠો કાપી નાખતાં મંગળવારે સવારે સાત વાગ્યાથી ચેમ્બુરની સિદ્ધાર્થ કૉલોનીમાં લાઇટો જતી રહી હતી. જોકે દેખાવકારો અને પોલીસ વચ્ચેની બેઠકોને પગલે સાંજે છ વાગ્યે વીજપુરવઠો પુનઃ શરૂ થયો હતો.
ગયા અઠવાડિયે રોજ ખોરવાતા વીજપુરવઠાથી ત્રસ્ત સેંકડો રહીશોએ ૧૨ મેએ ૧૩ કલાક કરતાં વધુ સમય સુધી તિલકનગરની અદાણી ઇલેક્ટ્રિસિટીની ઑફિસ પર ઘેરાવ કર્યો હતો. રહીશો, અદાણી ઇલેક્ટ્રિસિટી અને પોલીસ વચ્ચેની બેઠકમાં રહીશોને બિલ ભરવા માટે બે દિવસનો સમય આપવાનું નક્કી થયું હતું, પણ ખાસ પ્રતિસાદ ન સાંપડવા સાથે સમયમર્યાદા વીતી જતાં વીજકંપનીએ પુરવઠો ખોરવી નાખ્યો હતો.
અદાણી ઇલેક્ટ્રિસિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૨ મેની બેઠકમાં રહીશો બિલ ચૂકવશે એવું નક્કી થયું હતું, પણ ત્રણ દિવસ વીતવા છતાં તદ્દન મોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. ગઈ કાલે બુદ્ધ પૂર્ણિમા હતી અને કૉલોનીમાં એની ઉજવણી કરાઈ હોવાથી અમે પુરવઠો કાપ્યો નહોતો. રહીશોએ બિલો ચૂકવવામાં ખાસ ઉત્સાહ ન દાખવતાં અમારી પાસે વીજપુરવઠો કાપી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.’ 
સિદ્ધાર્થ કૉલોની ૨૦૦૫થી વીજબિલો ન ચૂકવવાના વિવાદનો સામનો કરી રહી છે. અદાણી ઇલેક્ટ્રિસિટીના જણાવ્યા પ્રમાણે ત્યાંના ૩,૫૨૪ ગ્રાહકોમાંથી મોટા ભાગના ગ્રાહકો બિલ ચૂકવતા નથી અને ચૂકવવાપાત્ર રકમ હવે ૧૦૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જોકે રહીશોએ બિલની રકમ રીડેવલપરે ચૂકવવાનું વચન આપ્યાનો દાવો કર્યો હતો.
આ મડાગાંઠને ઉકેલવા માટે ૨૫ ફેબ્રુઆરીએ બેઠક યોજાઈ હતી અને રહેવાસીઓ જૂન ૨૦૧૯થી બાકી રકમ ચૂકવવાનું શરૂ કરશે, જ્યારે બાકીનાં બિલોની ચર્ચા પછીથી કરવામાં આવશે એ મામલે પરસ્પર સંમતિ સધાઈ હતી. અદાણી ઇલેક્ટ્રિસિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રહીશો હજી પણ બાકીની રકમ ન ચૂકવતા હોવાથી વીજકંપનીએ છઠ્ઠી મેથી રોજ પુરવઠો કાપી નાખવાનું શરૂ કર્યું હતું.

anurag kamble mumbai mumbai news