જે પાર્ટી પૈસા આપે એ લઈ લેજો, પણ મત તો BJPને જ આપજો : ગડકરી

07 October, 2014 02:55 AM IST  | 

જે પાર્ટી પૈસા આપે એ લઈ લેજો, પણ મત તો BJPને જ આપજો : ગડકરી




વિવાદાસ્પદ અને ઢંગધડા વગરનાં બયાનોથી અવારનવાર ચર્ચામાં રહેતા BJPના નેતા અને કેન્દ્રના મિનિસ્ટર નીતિન ગડકરી હવે ચૂંટણીપંચના સપાટામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન વધુપડતા ઉત્સાહમાં આવીને ગડકરીએ લાતુરમાં વોટર્સ અને સિંધુદુર્ગની રૅલીમાં મીડિયા સામે વાંધાજનક વિધાનો કરતાં ઇલેક્શન કમિશને આચારસંહિતાના ઉલ્લંઘનના કેસમાં નોટિસ ફટકારીને આવતી કાલ સુધીમાં પ્રત્યુત્તર આપવાનું કહ્યું હતું.

લાતુરમાં મતદારો પર શંકા

તમે જે પાર્ટી આપે એના પૈસા ખિસ્સામાં મૂકી દેજો, પરંતુ વોટ BJPને જ આપજો. એક વાત યાદ રાખજો કે જે ખાવું હોય એ ખાઓ, પીવું હોય એ પીઓ. (દારૂ, પૈસા, ખાવાનું) જે મળે એ બધું જ લઈ લેજો. હરામની કમાણી ગરીબોને મળે એનો આ તો યોગ્ય સમય છે. લક્ષ્મીને ક્યારેય ના ન કહેવાય, પરંતુ એક વાત  ન ભૂલતા કે વોટ હંમેશાં BJPને જ આપજો.

સિંધુદુર્ગમાં મીડિયાને ભાંડ્યું

ચૂંટણીની સીઝનમાં પત્રકારોના ચહેરા પર ખુશી છે, કેમ કે લક્ષ્મી આવવાની છે. ટીવી-ચૅનલો, અખબારો, તંત્રીઓ, રિપોર્ટરો અને મીડિયાના માલિકોને અલગ-અલગ પૅકેજ મળશે. આ દસ દિવસમાં જેટલું લૂંટાય એટલું લૂંટી લો. તપાસ થશે તો આવી કમાણી ગરીબો માટે બહાર આવશે.

પત્રકારો નારાજ


ગડકરીના આવા બફાટ બાદ પત્રકારો નારાજ થયા છે. મંત્રાલય વિધિમંડળ વાર્તાહર સંઘના પ્રેસિડન્ટ પ્રવીણ પુરોએ કહ્યું હતું કે ‘ગડકરીનાં આવાં બયાનો વાંધાજનક છે. પૅકેજ-બૅકેજની વાતો કરીને ગડકરી પત્રકારોની ઇમેજ ખરાબ કરી રહ્યા છે.’