ઓબીસી આરક્ષણ વિના ચૂંટણી પંચે ૧૩ સુધરાઈની ચૂંટણીઓની તૈયારીઓ આરંભી

03 January, 2022 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે, વસઈ-વિરાર, નવી મુંબઈ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોમ્બિવલી સહિતની ચૂંટણીઓ માર્ચમાં યોજાવાની શક્યતા : રાજકીય પક્ષો સ્તબ્

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ઓબીસી આરક્ષણનો ઉકેલ નથી આવ્યો એટલે તાજેતરમાં જ રાજ્યની વિધાનસભામાં જ્યાં સુધી આ પ્રશ્નનો નિવેડો નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ચૂંટણીઓ ન યોજવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જોકે રાજકીય પક્ષોના આશ્ચર્ય વચ્ચે રાજ્યના ચૂંટણી પંચે થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી સહિત રાજ્યની ૧૩ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવા માટેની તૈયારીઓ આરંભી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.
રાજ્યના ચૂંટણી પંચે આ તમામ મહાનગરપાલિકા પ્રશાસનને ૭ જાન્યુઆરી સુધી વૉર્ડની સુધારિત રચનામાં જનરલ, અનુસૂચિત જાતિ-જનજાતિ વગેરેની વસતિ બાબતે માહિતી મોકલવાનો આદેશ બહાર પાડ્યો છે. આ માહિતી પ્રાપ્ત થયા બાદ બેથી ચાર દિવસમાં પ્રભાગ રચનાનો કાર્યક્રમ યોજાવાની શક્યતા છે.
જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં પ્રભાગ રચના થયા બાદ ચૂંટણી પંચ પહેલી ફેબ્રુઆરીએ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આથી માર્ચ મહિનામાં આ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ શકે છે.
બે દિવસ પહેલાં ચૂંટણી પંચે તમામ મહાનગરપાલિકા પ્રશાસનને ૭ જાન્યુઆરી સુધી તેમના ક્ષેત્રમાં અનુસૂચિત જાતિ-જનજાતિની કેટલી વસ્તી છે તેમ જ કુલ વસ્તીનો આંકડો રાજ્યના ચૂંટણી કમિશનરને સુપરત કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ઓબીસી આરક્ષણ રદ કર્યું હોવાથી આ વર્ગને જનરલ કૅટેગરીમાં રાખવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ અને ઔરંગાબાદને ચૂંટણી પંચે આદેશમાં સમાવેશ નથી કર્યાં. ઔરંગાબાદ મહાનગરપાલિકાની મુદત એપ્રિલ ૨૦૨૦માં પૂરી થઈ ગઈ છે, પરંતુ વૉર્ડરચનાને કોર્ટમાં પડકારવામાં આવી હોવાથી મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે.

mumbai mumbai news election commission of india municipal elections