મુંબઈગરાઓ મીની વેકેશન માણવાને બદલે મતદાન કરવાનો મત ધરાવે છે

25 April, 2019 12:57 PM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

મુંબઈગરાઓ મીની વેકેશન માણવાને બદલે મતદાન કરવાનો મત ધરાવે છે

મુંબઈ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હંમેશની જેમ ચૂંટણીના મેદાનમાં ઝુકાવનારા ઉમેદવારોને એક ચિંતા સતાવતી હોય છે કે તેમના ખાતરીપૂર્વકના મતદારો ક્યાંક વેકેશનને કારણે બહારગામ ફરવા તો નહીં ચાલ્યા જાયને. આમ પણ ૨૦૧૯ની ચૂંટણીનો દિવસ વીક-એન્ડની સાથે એટલે કે સોમવાર આવતો હોવાથી એક ચિંતા સતાવી રહી છે કે મુંબઈવાસીઓ ત્રણ દિવસની રજાનો આનંદ માણવા ખરેખર બહારગામ જતા રહે એવી પૂરેપૂરી શક્યતા છે. પણ ઉમેદવારોએ ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ‘મિડ-ડે’ને પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે મુંબઈવાસીઓએ બહારગામ જવાનું ટાળીને પોતાની ફરજ એટલે કે મતદાન કરવાનું નક્કી કર્યું છે. ટૂરઓપરેટરોના કહેવા મુજબ ૨૦૧૪ની ચૂંટણી સમયે સાત હજાર લોકો વેકેશન માટે બહાર ગયા હતા, જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં બે હજાર લોકોઆ વિશે મહારાષ્ટ્ર ટૂર ઑપરેટર અસોસિએશનના જનરલ સેક્રેટરી અતુલભાઈ મોઇલેએ જણાવ્યું હતું કે ‘ગયા વખતની ચૂંટણી કરતાં બહારગામ ફરવા જતા ટૂરિસ્ટોની સંખ્યામાં ખાસ્સો ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને મારું અંગતપણે એવું માનવું છે કે કદાચ જો લોકો ફરવા જશેને તો પણ શનિ-રવિ ફરીને સોમવારે મતદાન કરવા પાછા ફરશે. ખરેખર લોકોમાં જાગરૂકતા જોવા મળી છે.’

અસોસિએશનના સેક્રેટરી ચીમન મોતાએ કહ્યું હતું કે ‘મતદાન ખરેખર જરૂરી છે એવું આ વર્ષે તો જણાઈ રહ્યું છે. ગત ચૂંટણીની સરખામણીએ ૭૦ ટકા જેટલું બુકિંગ ઓછું આવ્યું છે. અમે પણ ખુશ છીએ કે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે. ધંધો ઓછો થાય તો ચાલે, પણ દેશમાં કોની સરકાર અને કયા ઉમેદવાર પર પસંદગી ઉતારવી એ મતદારનો અધિકાર છે અને તેણે એ બખૂબી નિભાવવો જોઈએ.’

આ પણ વાંચોઃ  ઑસ્ટ્રેલિયાથી મતદાન કરવા માટે મુંબઈ આવી રહ્યા છે આ ગુજરાતી NRI

ટૂર ઑપરેટરો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૪માં ૨૪ એપ્રિલ અને ગુરુવાર હોવા છતાં મુંબઈગરાએ બહારગામ નીકળી જવાનું પસંદ કર્યું હતું. આમ પણ મુંબઈવાસીઓને વેકેશન હોય અને ચૂંટણી જો શનિ-રવિની નજીક આવતી હોય તો તો જોઈએ શું. બીજી બાજુ આ વખતની ચૂંટણીમાં શનિ-રવિ અને છોગામાં સોમવાર આવતો હોવા છતાં મુંબઈગરાએ બહારગામ જવાનું ટાળ્યું છે.

mumbai Election 2019