મલાડમાં ૭૮ વર્ષનાં ગુજરાતી નિર્મળા પ્રેમજી વોરાનું ઘરમાં જ મર્ડર

06 November, 2012 05:40 AM IST  | 

મલાડમાં ૭૮ વર્ષનાં ગુજરાતી નિર્મળા પ્રેમજી વોરાનું ઘરમાં જ મર્ડર



મલાડ (વેસ્ટ)માં એસ. વી. રોડ પર આવેલી નિમાણી ચાલમાં રહેતાં ૭૮ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝન નિર્મળા પ્રેમજી વોરાની રવિવારે સાંજે તેમના જ ઘરમાં ગળા પર ચાકુના વાર કરીને કરપીણ હત્યા કરવામાં આવતાં મલાડ પરિસરમાં અરેરાટી ફેલાઈ છે અને ફરી મુંબઈમાં સિનિયર સિટિઝનોની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. આ હત્યા ચોરી માટે થઈ હોવાનું પોલીસનું માનવું છે, કારણ કે નિર્મળાબહેનના ઘરમાંથી કેટલીક જ્વેલરી અને રોકડ સહિત ૩૫,૦૦૦ રૂપિયાની મતા ગુમ થઈ છે. તેમની સાથે રહેતી અને જૂસ સેન્ટર ચલાવતી બાવન વર્ષની અપરિણીત પુત્રી પ્રેરણા રાત્રે સાડાદસ વાગ્યે ઘરે આવી ત્યારે આ હત્યાની જાણ થઈ હતી.

નિર્મળાબહેન રોજ સવારે મંદિરમાં જતાં હતાં અને સાડાઅગિયારથી બાર વાગ્યા સુધીમાં પાછાં આવતાં. એ સમયે તેમની દીકરી પ્રેરણા ઇનઑર્બિટ મૉલ પાસે આવેલા તેના જૂસ સેન્ટરમાં જવા નીકળતી હતી. રવિવારે પણ આ જ રીતે પ્રેરણા ગઈ ત્યારે નિર્મળાબહેન ઘરે આવી ગયાં હતાં. સાંજે આશરે સાડાચાર વાગ્યે પ્રેરણાએ મમ્મી સાથે ફોન પર વાત પણ કરી હતી. જોકે રાત્રે નવ વાગ્યે પ્રેરણાએ ઘરે ફોન કર્યો ત્યારે મમ્મીએ ફોન ન ઉપાડતાં તેને ચિંતા થઈ હતી. જોકે જૂસ સેન્ટર બંધ કરીને રોજની જેમ પ્રેરણા ઘરે સાડાદસ વાગ્યે પાછી આવી ત્યારે તેણે મમ્મીને ઘરમાં લોહીલુહાણ અવસ્થામાં જોઈ હતી. તેણે તરત જ મલાડ પોલીસ-સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

બ્યુટિશ્યન તરીકે પણ કામ કરતી પ્રેરણાએ પોલીસને કહ્યું હતું કે ‘રોજ હું સવારે સાડાઅગિયાર વાગ્યે ઘરેથી નીકળી જાઉં છું અને રાત્રે સાડાદસ વાગ્યે પાછી ફરું છું. રવિવારે હું ઘરે પાછી ફરી ત્યારે મેં મમ્મીને લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ હતી. તેના ગળા પર મોટો ઘા હતો.’

પોલીસને પ્રેરણાએ જણાવ્યા મુજબ તેણે ઘરે બલરામ જયસ્વાલ નામના નોકરને રાખ્યો હતો જે ઘર ઉપરાંત જૂસ સેન્ટરનું કામ પણ સંભાળતો હતો.

મલાડ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજારામ પ્રભુએ કહ્યું હતું કે ‘મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા પછી ઘરની તલાશી લેતાં અમને ઘરમાંથી હત્યા કરવા માટે વપરાયેલું ચાકુ મળી આવ્યું હતું અને એના આધારે ડૉગ-સ્ક્વૉડને કામે લગાવી દેવામાં આવી હતી. અમારો સ્નિફર ડૉગ ચાકુને સૂંઘ્યા પછી સીધો પ્રેરણાના જૂસ સેન્ટર સુધી ગયો હતો અને ત્યાં જઈને ગોળ-ગોળ ફર્યો હતો. અમને ઘરમાંથી ખાંડની એક ગૂણી પણ મળી હતી જે ખાંડના ડીલરે મોકલી હતી. આ ગૂણી જૂસ સેન્ટર પર લઈ જવાની હતી. અમે ઘરનોકર બલરામ જયસ્વાલની અટક કરી છે અને ખાંડની ગૂણી ઘરે મૂકી જનારા ડિલિવરીમૅનને શોધી રહ્યા છીએ. અમે હત્યાનો ગુનો નોંધીને આ કેસમાં તપાસ શરૂ કરી છે.’

ખાવાનું અકબંધ

પોલીસને શંકા છે કે હત્યા સાંજે છ વાગ્યા પહેલાં થઈ હોવી જોઈએ, કારણ કે નિર્મળાબહેન સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લેતાં હતાં. તેમનું જમવાનું અકબંધ હતું.

એસ. વી. = સ્વામી વિવેકાનંદ