એકનાથ શિંદે સુરતની હોટેલમાં હતા રિલૅક્સ

22 June, 2022 08:27 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મોડી રાત્રે મુંબઈથી અહીં પહોંચ્યા હોવા છતાં તેમના ચહેરા પર જરાય ટેન્શન નહોતું

ગઈ કાલે સુરતની લ મેરિડિયન હોટેલની બહાર ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


શિવસેનાના નેતા એકનાથ શિંદે સોમવારે મોડી રાત્રે સુરતમાં ઍરપોર્ટ નજીક આવેલી લ મેરિડિયન હોટેલમાં તેમના ૩૪ જેટલા સમર્થક વિધાનસભ્યો સાથે પહોંચ્યા હતા. મુંબઈમાં વિધાન પરિષદની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ બોલાવવામાં આવેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની બાજુની સીટમાં જોવા મળેલા એકનાથ શિંદે મોડી રાત્રે તેમના ૧૧ સમર્થક વિધાનસભ્યો સાથે ફ્લાઇટમાં સુરત પહોંચ્યા હતા અને બાદમાં બીજા વિધાનસભ્યો જોડાયા હતા. સામાન્ય રીતે બળવો કરવાની સ્થિતિમાં ટેન્શન રહેતું હોય છે, પરંતુ બીજા દિવસે એટલે કે ગઈ કાલે સવારે હોટેલમાં તેઓ એકદમ રિલૅક્સ લાગતા હતા અને ટી-શર્ટ પહેરીને હોટેલની લૉબીમાં આંટા મારતા જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
શિવસેનાના નેતાઓ સુરતની લ મેરિડિયન હોટેલમાં પહોંચતાં પહેલાં અને બાદમાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ સમયે હોટેલમાં કોઈને આવવા કે જવા નહોતા દેવાતા. 
હોટેલમાં પહેલેથી બુકિંગ કરનારાઓને પૂરતી ચકાસણી કર્યા બાદ જવા દેવામાં આવ્યા હતા. એકનાથ શિંદે તેમના સાથીઓ સાથે હોટેલમાં પહોંચ્યા બાદ અહીં ચેક-ઇન કરનારા એક આઇટી પ્રોફેશનલે માહિતી આપી હતી કે ‘સવારના સમયે એકનાથ શિંદે ટી-શર્ટ પહેરીની હોટેલની લૉબીમાં ફરતા જોવા મળ્યા હતા. તેઓ એકદમ રિલૅક્સ લાગતા હતા અને ચહેરા પર કોઈ ટેન્શન નહોતું દેખાતું. તેમના હાથમાં એક કાગળ હતો જેના પર તેઓ વારંવાર નજર નાખતા હતા. તેમની નજીક જૂજ લોકો જ હતા. તેમની સાથેના બીજા વિધાનસભ્યોને ઓળખતો ન હોવાથી તેમની સાથે કોણ-કોણ હતા એ કહેવું મુશ્કેલ છે, પરંતુ હોટેલની લૉબીમાં મોટી સંખ્યામાં એ સમયે લોકો હાજર હતા.’
કેવી રીતે સુરત પહોંચ્યા?
સોમવારે સાંજે વિધાન પરિષદની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ પાંચેક વાગ્યે એકનાથ શિંદે સહિત તેમના સમર્થકોએ બળવો કરવાનું પ્લાનિંગ કર્યું હોવાની શક્યતા છે. તેમણે બાદમાં મુંબઈથી સુરતની ફ્લાઇટ બુક કરાવી હતી. 
એટલું જ નહીં, સુરતમાં ઍરપોર્ટ નજીક આવેલી હોટેલ લ મેરિડિયનમાં પણ બુકિંગ કરાવી લીધું હતું. પહેલાં ૧૧ વિધાનસભ્યો મુંબઈથી ફ્લાઇટમાં સુરત પહોંચ્યા હતા. બાદમાં દોઢેક વાગ્યે એકનાથ શિંદે સાથે અન્ય વિધાનસભ્યો સુરત પહોંચ્યા હતા એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

જાણો સમગ્ર ઘટનાક્રમ

 ૯.૩૦ ઃ વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ થવાથી ઉદ્ધવ ઠાકરેએ ઇમર્જન્સી બેઠક બોલાવી
 ૯.૩૦ ઃ એકનાથ શિંદે કેટલાક વિધાનસભ્યો સાથે નૉટ રીચેબલ હોવાનું જણાયું
 ૯.૪૫ ઃ શરદ પવારે ઇમર્જન્સી બેઠક બોલાવી
 ૯.૫૦ ઃ શિવસેનાના બળવો કરનારા વિધાનસભ્યો સુરત હોવાનું જણાયું
 ૯.૫૫ ઃ એકનાથ શિંદે બીજેપીના ગુજરાત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલના સંપર્કમાં હોવાનું જણાયું 
 ૧૦.૦૦ ઃ બળવો કરનારા 
વધુ નવ વિધાનસભ્યો સુરત રવાના થયા
 ૧૦.૦૫ ઃ એકનાથ શિંદે ૧૨ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવે એવી શક્યતા
 ૧૦.૧૦ ઃ સુરતની લી મેરિડિયન હોટેલમાં શિવસેનાના ૧૦ વિધાનસભ્ય હોવાનું જણાયું
 ૧૦.૩૦ ઃ સુરતની હોટેલની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત
 ૧૦.૩૫ ઃ ઉદ્ધવ ઠાકરેએ વર્ષા બંગલામાં બે વાગ્યે ઇમર્જન્સી બેઠક બોલાવી
 ૧૧.૧૦ ઃ એકનાથ શિંદેના થાણેના બંગલે સિક્યૉરિટી વધારાઈ
 ૧૧.૩૦ ઃ નારાયણ રાણેએ એકનાથ શિંદેને યોગ્ય સમયે પગલું ભર્યું હોવાનું કહ્યું
 ૧૨.૦૦ ઃ એકનાથ શિંદે સાથે ૩૦થી વધુ વિધાનસભ્યો હોવાનું જણાયું
 ૧૨.૩૦ ઃ બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શિવસેનાના બળવામાં બીજેપીનો કોઈ હાથ ન હોવાનું કહ્યું
 ૧૨.૪૦ ઃ સુરતની હોટેલમાં નીતિન દેશમુખની તબિયત બગડી
 ૧.૦૦ ઃ સંજય રાઠોડ, સંજય બાંગર અને દાદા ભુસે એકનાથ શિંદેની ઑફર લઈને ઉદ્ધવ ઠાકરેને મળ્યા
 ૧.૩૦ ઃ ઉદ્ધવ ઠાકરેએ બીજેપી સાથે યુતિ કરવાની એકનાથ શિંદેની શરત ઠુકરાવી
 ૧.૪૫ ઃ ઉદ્ધવ ઠાકરેએ મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને સુરત મોકલ્યા
 ૨.૦૦ ઃ દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ વિધાનસભ્ય ડૉ. સંજય કુટે સુરતની હોટેલમાં પહોંચ્યા
 ૨.૩૦ ઃ શિવસેનાએ એકનાથ શિંદેને ગટનેતા પદેથી દૂર કર્યા
 ૩.૦૦ ઃ સંજય રાઉતે શિવસેનાના વિધાનસભ્યોનું અપહરણ કરાયું હોવાનો આરોપ કર્યો
 ૪.૦૦ ઃ મોટી સંખ્યામાં શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર જમા થયા
 ૪.૪૫ ઃ મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટક સુરત હોટેલ પહોંચ્યા
 ૫.૦૦ ઃ કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્ય નૉટ રીચેબલ હોવાનું જણાયું
 ૬.૦૦ ઃ નવા ગટનેતા અજય ચૌધરીએ વિધાનસભ્યના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલને એકનાથ શિંદેને ગટ નેતાપદેથી હટાવવાનો પત્ર આપ્યો
 ૬.૧૫ ઃ વર્ષા બંગલે મહાવિકાસ આઘાડીના નેતાઓ અશોક ચવાણ, બાળાસાહેબ થોરાત, જયંત પાટીલ સહિતના નેતાઓની બેઠક શરૂ થઈ
 ૬.૩૦ ઃ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમનાં પત્ની રશ્મિ ઠાકરે સાથે ફોન પર વાત કરીને બીજેપી સાથે યુતિ કરવાની શરત મૂકી
  ૭.૦૦ ઃ ઉદ્ધવ ઠાકરેએ સેનાના ૨૭ વિધાનસભ્ય પક્ષ સાથે હોવાનું કહ્યું
 ૮.૦૦ ઃ પક્ષના વિધાનસભ્યો તૂટે નહીં એટલે શિવસેનાએ તેમને વેસ્ટ-ઇન હોટેલમાં ખસેડ્યા 
* ૯.૦૦ ઃ ૧૫૦ બેઠક સાથેનું ચાર્ટર પ્લેન સુરત પહોંચ્યું

mumbai news maharashtra