અભિજિત દીપકેને મળવા ગયેલા નેતાઓ વિરુદ્ધ એકનાથ શિંદે પગલાં લે : BJP

04 August, 2026 08:42 AM IST  |  Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

સંજય શિરસાટ અને બચ્ચુ કડુ દીપકે પરિવારને મળ્યા એટલે મહાયુતિમાં મનભેદ

અભિજિત દીપકે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેને અને તેનાં મમ્મી-પપ્પાને છત્રપતિ સંભાજીનગરમાં મળવા જનારા શિવસેનાના નેતાઓ વિરુદ્ધ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પગલાં લે એવી માગણી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા તથા રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ કરી છે. આવા નેતાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એવી માગણી તેમણે કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે શિવસેનાના સંજય શિરસાટ અને બચ્ચુ કડુ અભિજિત દીપકેના ઘરે જઈ તેને અને તેનાં મમ્મી-પપ્પાને મળ્યાં હતાં. સંજય શિરસાટ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના પાલકપ્રધાન છે, જ્યારે બચ્ચુ કડુ વિધાન પરિષદના સભ્ય છે. 

ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે આમ તો આ પાર્ટીની અંતર્ગત બાબત છે, પરંતુ એકનાથ શિંદેએ નક્કી કરવું જોઈએ કે તેમના નેતાઓએ કઈ રીતે વર્તન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સત્તાધારી મહાયુતિના ભાગ હોઈએ ત્યારે આવું વર્તન યોગ્ય નથી. આ જ રીતે BJPના નેતા પ્રવીણ દરેકરે પણ શિવસેનાના નેતાઓ દીપકેને મળે અેનાથી ખોટો સંકેત જતો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ જે રીતનું વર્તન કરે છે એ તો સમજી શકાય, પરંતુ સંજય શિરસાટ અને બચ્ચુ કડુ અભિજિત દીપકેને મળે અેનાથી ખોટો સંકેત ફેલાય છે.

કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને બનવું છે પોતાના ગામના સરપંચ

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ હવે કહ્યું છે કે તેની કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા નથી, તે તેના ગામ સંતુક પિંપરીનો સરપંચ બનવા માગે છે અને આ વાત તેણે તેના પરિવારને પણ કહી છે.અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘અમારે રાજકીય પક્ષ સ્થાપવો જોઈએ એવું મીડિયાને લાગી રહ્યું છે, પણ અમારો હજી સુધી એવો કોઈ વિચાર કે હેતુ નથી. અમારે આને જનચળવળ જ રાખવી છે. તમે દેશની રાજકીય પરિસ્થિતિ જોઈ રહ્યા છો. નવો રાજકીય પક્ષ સ્થાપીને શું મળશે? ચૂંટણીમાં મત જ ડિલીટ કરાઈ રહ્યા છે. રાજકારણ પરથી લોકોનો વિશ્વાસ જ ઊઠી ગયો છે. સવારે લોકો એક પક્ષને મત આપે છે અને સાંજે સરકાર બીજા જ પક્ષની બની જાય છે. સવારે જનતા એક સંસદસભ્ય કે વિધાનસભ્યને ચૂંટી કાઢે છે, સાંજે તે બીજા પક્ષમાં ચાલ્યા જાય છે. જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) મોકલીને પક્ષ તોડવામાં આવે છે અને ચૂંટણી હાઇજૅક કરાય છે ત્યાં રાજકીય પક્ષ સ્થાપીને શું કરીશું?’

અમેરિકામાં સ્કૉલરશિપ મેળવીને અને લોન લઈને ભણ્યો છું એમ જણાવતાં અભિજિત દીપકેએ કહ્યું...હું મારા સ્કૉલરશિપ અને એજ્યુકેશન લોનના ડૉક્યુમેન્ટ્સ જાહેર કરવા તૈયાર છું, શું સમ્રાટ તેમની ડિગ્રી બતાવશે?

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાનો આડકતરો પડકાર ફેંક્યો છે. સુરતના એક કાર્યકરે રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ દ્વારા અભિજિત દીપકેના વિદેશી અભ્યાસના ફન્ડિંગ વિશે માહિતીની માગણી કર્યા બાદ અભિજિતે આ પલટવાર કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર વિડિયો શૅર કરતાં દીપકેએ લખ્યું હતું કે ‘હું મારા સ્કૉલરશિપ અને એજ્યુકેશન લોનના પત્રો જાહેર કરવા તૈયાર છું, શું સમ્રાટ તેમની ડિગ્રી બતાવશે?’
અમેરિકાની બૉસ્ટન યુનિવર્સિટીની કૉલેજ ઑફ કમ્યુનિકેશનમાંથી માસ્ટર ઑફ સાયન્સ ઇન પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરનારા અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘જો કોઈ સામાન્ય છોકરો બૉસ્ટન યુનિવર્સિટીમાં ભણે તો તેમને કેમ તકલીફ થાય છે?’ 
અભિજિતે સ્પષ્ટ કર્યું હતું કે તેનો અભ્યાસ સ્કૉલરશિપ અને એજ્યુકેશન લોનથી થયો છે અને એની તપાસ માટે તે તૈયાર છે. તેણે કહ્યું હતું કે તેણે લીધેલી લોન હજી ચૂકવાઈ નથી.

mumbai news abhijit dipake Chhatrapati Sambhaji Nagar maharashtra government maharashtra news maharashtra political news indian politics bhartiya janta party bjp eknath shinde