22 September, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેનું સોશ્યલ મિડિયા પ્લૅટફૉર્મ Xનું અકાઉન્ટ ગઈ કાલે હૅક થઈ ગયું હતું. એમાં હૅકરે પાકિસ્તાન અને ટર્કીના ફ્લૅગ સાથેની પોસ્ટ શૅર કરી હતી તેમ જ એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. જોકે ૪૫ મિનિટ પછી એ પોસ્ટ ડિલીટ કરીને અકાઉન્ટ રિકવર કરી લેવાયું હતું. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના અકાઉન્ટ પર ઇસ્લામિક દેશો સંદર્ભની પોસ્ટ શૅર કરવામાં આવી હોવાથી આ સાઇબર અટૅક હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગઈ કાલે એશિયા કપમાં ફરી એક વાર ભારત-પાકિસ્તાનની ટીમ સામસામે ટકરાઈ હતી. એ પહેલાં સવારના જ એકનાથ શિંદેના અકાઉન્ટ પર પાકિસ્તાન સંદર્ભના વિડિયોનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. એ અકાઉન્ટ કઈ રીતે હૅક થયું એની માહિતી મળી શકી નહોતી. એ અકાઉન્ટ હૅક કરનારને ઝડપી લેવા IP ઍડ્રેસના આધારે સાઇબર પોલીસે વધુ તપાસ ચાલુ કરી હતી.