કોઈ આરોપીને બક્ષવામાં નહીં આવે, કઠોર સજા થશે

23 April, 2025 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુત્રી સાક્ષી કાંબળેની આત્મહત્યા વિશે પત્ર લખનારી મમ્મીને એકનાથ શિંદેએ ફોન કરીને કહ્યું...

સાક્ષી કાંબળેના ઘરે આશ્વાસન આપવા ગઈ કાલે રા‌જ્યના વિધાન પરિષદનાં ઉપસભાપતિ નીલમ ગોર્હે ગયાં હતાં.

છેડતી અને બ્લૅકમેઇલથી કંટાળીને આત્મહત્યા કરનારી બીડની સાક્ષી કાંબળેની મમ્મીએ શિવસેના પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક લાડકી બહેન તરીકે ન્યાય મેળવવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રની જાણ થતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે સાક્ષી કાંબળેની મમ્મીને ફોન કરીને આશ્વાસન આપ્યું હતું કે સાક્ષીને પરેશાન કરનારા કોઈ આરોપીને બક્ષવામાં નહીં આવે, તેમને કઠોર સજા થશે.

એકનાથ શિંદેએ ફોન કર્યા બાદ વિધાન પરિષદનાં ઉપસભાપતિ અને શિવસેનાનાં નેતા નીલમ ગોર્હેએ ગઈ કાલે સાક્ષી કાંબળેના ઘરે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. નીલમ ગોર્હેએ આ વિશે પત્રકારોને કહ્યું હતું કે ‘સાક્ષી કાંબળેનાં લગ્ન નક્કી થઈ ગયાં હોવાથી તે બહુ ખુશ હતી, પણ કૉલેજમાં તેની છેડતી કરવાની સાથે બ્લૅકમેઇલ કરવાથી પરેશાન થઈને આત્મહત્યા કરી હતી. યુવતીઓને પરેશાન કરતા કૉલેજના યુવાનો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સાથે ચર્ચા કરી છે. કોઈ આરોપીને સંરક્ષણ આપતું હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હું રાજ્યભરની તમામ યુવતીઓને આહ્‍‍વાન કરું છું કે કોઈ તમને ત્રાસ આપતું હોય, તમારો ફોટો કે વિડિયોનો ખોટી રીતે ઉપયોગ કરીને બ્લૅકમેઇલ કરતા હોય તો પોલીસનો સંપર્ક કરો.’

સાક્ષી કાંબળે સુંદર હતી અને ઍર-હૉસ્ટેસ બનવા માગતી હતી, પણ કૉલેજમાં અભિષેક કદમ નામનો યુવક તેની પાછળ પડી ગયો હતો અને બ્લૅકમેઇલ કરતો હોવાની માહિતી સાક્ષીની મમ્મી સહિત કેટલાક લોકોએ પોલીસને આપી હતી. આથી પોલીસ હવે આ યુવક સામે કાર્યવાહી કરે એવી શક્યતા છે.

beed suicide maharashtra eknath shinde shiv sena crime news mumbai crime news mumbai police news mumbai mumbai news