20 September, 2026 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
લંડનની સંસદમાં હાઉસ ઑફ કૉમન્સ અને હાઉસ ઑફ લૉર્ડ્સમાં અવૉર્ડ મેળવ્યા બાદ લગભગ એક અઠવાડિયું લંડનમાં વિતાવ્યા પછી મુંબઈ પાછા આવતી વખતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટમાં પોતાનો આઇફોન ભૂલી ગયા હતા. ગયા અઠવાડિયે શુક્રવારે મધરાત બાદ બે વાગ્યાની આસપાસ બ્રિટિશ ઍરવેઝની લંડનથી આવેલી ફ્લાઇટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ ત્યાર બાદ એકનાથ શિંદેને તેઓ પોતાનો મોબાઇલ ફોન ભૂલી ગયા હોવાની જાણ થઈ હતી.
આઇફોન ભૂલી ગયાનું જણાતાં જ આ વાતની જાણ સંબંધિત સત્તાવાળાઓને કરવામાં આવી હતી. ત્યાર બાદ લગભગ એક કલાક ફ્લાઇટમાં સર્ચ કરીને તેમનો મોબાઇલ પાછો મેળવવામાં આવ્યો હતો. મળેલી માહિતી મુજબ એકનાથ શિંદે રાત્રે ૩ વાગ્યે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યાર પછી તેમને તેઓ મોબાઇલ ભૂલી ગયા હોવાનું ભાન થયું હતું. એ બાબતની જાણ પોલીસને કરતાં તેમણે બ્રિટિશ ઍરવેઝના સુરક્ષાકર્મીઓની સાથે મળીને એક કલાક સુધી મોબાઇલને શોધ્યા બાદ વહેલી સવારે ૪ વાગ્યે આઇફોન શોધી કાઢ્યો હતો.
આઇફોન મળ્યા બાદ એને એકનાથ શિંદેને પાછો સોંપી દેવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ એકનાથ શિંદે-વિડિયો કૉલ કરવા માટે મોટા ભાગે આ આઇફોનનો ઉપયોગ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ અવૉર્ડ સ્વીકારવા ઉપરાંત લંડનમાં વડાપાંઉની મોજ માણી હતી તથા ક્રિકેટર વિરાટ કોહલીને પણ મળ્યા હતા.