08 September, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
સોમવારે પાલઘરની હૉસ્પિટલમાં શિવસેનાના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા સ્ટાફ પર થયેલા હુમલાની મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નિંદા કરી હતી. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને ચેતવણી આપી હતી કે સંડોવાયેલા લોકો વિરુદ્ધ પક્ષ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના વિશે પત્રકારો સાથે વાત કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ડૉક્ટરો અથવા હૉસ્પિટલના કર્મચારીઓ પર હુમલો કરવો અસ્વીકાર્ય છે. કોઈ પણ ફરિયાદનું નિરાકરણ કાનૂની માધ્યમથી થવું જોઈએ. ડૉક્ટરો અથવા હૉસ્પિટલના કર્મચારીઓને માર મારવો ખોટું છે. ભલે કોઈ પણ હોય, કોઈએ પણ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. પાર્ટીના સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેમણે કાયદો પોતાના હાથમાં લીધો છે તેઓ શિવસેનાનું પ્રતિનિધિત્વ કરવા માટે અધિકૃત નથી. પાર્ટી તેમની સામે કાર્યવાહી કરશે, તેમને સસ્પેન્ડ કરશે અને પાર્ટીમાંથી કાઢી મુકાશે.’
ડોમ્બિવલીની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે દ્વારા ડૉક્ટરો પર કરવામાં આવેલા હુમલાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે રમેશ મ્હાત્રેને જામીન આપ્યા એને પડકારતી અરજી મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જેની સુનાવણી હાથ ધરતી વખતે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પર વધતા હુમલાની નોંધ લઈને આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું હતું કે ‘પાલઘરમાં આ જ જૂથના લોકોએ ફરી હૉસ્પિટલના સ્ટાફ પર હુમલો કર્યો એ નિંદાને પાત્ર છે. ભલે પહેલાં ડૉક્ટરો પર હુમલો કરનારા લોકો જુદા હતા, પણ સમાન આઇડિયોલૉજી ધરાવતા લોકોએ જ આ કૃત્ય કર્યું. આવા કેસ વધતા જાય છે જે ચિંતાજનક છે.’
શિવસેના પાલઘર શહેર પ્રમુખ રાહુલ ઘરાતની ધરપકડ, પક્ષમાંથી સસ્પેન્ડ
પોલીસે સોમવારે શિવસેનાના પાલઘર શહેર પ્રમુખ રાહુલ ઘરાતની ધરપકડ કરી હતી, જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
પાલઘર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર કિશોર મહાનુભાવે જણાવ્યું હતું કે ધરપકડ બાદ રાહુલ ઘરાતને સ્થાનિક મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને એક દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.હુમલાની વધુ તપાસ ચાલી રહી છે કારણ કે પોલીસ બાકીના આરોપીઓની શોધ કરી રહી છે.