જેમ આગરામાં શિવાજી મહારાજનો છુટકારો થયો હતો એમ એકનાથ શિંદે છૂટી ગયા

01 December, 2022 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ પ્રતાપગડ પર શિવ પ્રતાપ દિવસના કાર્યક્રમમાં આવું કહેતાં છત્રપતિ બાબતે વધુ એક વિવાદ ઊભો થયો

જેમ આગરામાં શિવાજી મહારાજનો છુટકારો થયો હતો એમ એકનાથ શિંદે છૂટી ગયા

મુંબઈ : શિવ પ્રતાપ દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજનું અભિવાદન કરવા માટે પ્રતાપગડ કિલ્લા પર ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના પ્રધાનો પહોંચ્યા હતા. અહીં ભાષણ કરતી વખતે રાજ્યના કૅબિનેટ પ્રધાન અને બીજેપીના નેતા મંગલ પ્રભાત લોઢાએ છત્રપતિ શિવાજી સંબંધી એક વાક્ય કહેતાં વિવાદ ઊભો થયો હતો. વિરોધ પક્ષના નેતા અજિત પવાર અને આદિત્ય ઠાકરે સહિતના વિરોધ પક્ષના નેતાઓએ મંગલ પ્રભાત લોઢાની આ વિશે ટીકા કરી હતી. જોકે બાદમાં મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘મેં એકનાથ શિંદેની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે નથી કરી. માત્ર ઉદાહરણ આપ્યું હતું કે આગરાની કેદમાંથી છત્રપતિ શિવાજી મહારાજ જેવી રીતે છૂટ્યા હતા એવી રીતે એકનાથ શિંદે છૂટ્યા છે.’

કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘વિરોધીઓને કંઈ પણ બોલવાનો અધિકાર છે, પણ જે કંઈ થયું જ નથી એ ટીવી અને સોશ્યલ મીડિયામાં ચાલી રહ્યું છે. મેં જે કહ્યું છે એ એનસીપીના નેતાઓએ સાંભળ્યું છે? તેમણે જોયું કે સાંભળ્યું નથી અને વિરોધ કરી રહ્યા છે. મેં માત્ર ઉદાહરણ આપ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ સાથે ક્યારેય કોઈની તુલના ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ સૂર્ય છે અને આપણે બધા અહીં છીએ. તો તેમની સાથે તુલના કરવાની મૂર્ખામી કોણ કરે?’

બીજેપીના નેતાએ વધુમાં કહ્યું હતું કે ‘હું ક્યારેય વ્યક્તિગત ટિપ્પણી કરતો નથી. રાજકારણમાં જતો નથી. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું ઉદાહરણ દરેક બાળકને અપાય છે. બાળકોને શીખવવામાં આવે છે કે છત્રપતિ મહારાજ કેવા હતા. તો એમ કહેવાથી શું તેમની સરખામણી થઈ?’

છત્રપતિ શિવાજી મહારાજના અભિવાદનના કાર્યક્રમમાં મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘ઔરંગઝેબે શિવાજી મહારાજને આગરામાં કેદ કરીને રાખ્યા હતા. એ સમયે શિવાજી મહારાજ સ્વરાજ્ય માટે જેવી રીતે કેદમાંથી બહાર આવ્યા હતા એવી રીતે એકનાથ શિંદે બહાર ન નીકળે એ માટેના પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં તેઓ મહારાષ્ટ્ર માટે બહાર નીકળ્યા છે.’

મંગલ પ્રભાત લોઢાએ શિવાજી મહારાજના આગરાની કેદમાંથી છુટકારાની તુલના એકનાથ શિંદેના બળવા સાથે કરી હતી. આ વાતને પકડીને અજિત પવાર અને આદિત્ય ઠાકરે સહિતના નેતાઓએ મંગલ પ્રભાત લોઢાની ટીકા કરી છે.

mumbai mumbai news eknath shinde