17 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેસ્લા ડ્રાઇવ કરી વિધાન ભવન આવ્યા આવ્યા એકનાથ શિંદે તેમની બાજુમાં પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે વિધાન ભવનની બહાર ટેસ્લા મોડેલ વાય ચલાવી હતી. તેમની આ ડ્રાઈવથી ભારતીય બજારમાં ટેસ્લાના સત્તાવાર પ્રવેશને મજબૂત રાજકીય સમર્થન મળશે એવા સંકેત છે. એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્ર વિધાનસભામાં ઇલેક્ટ્રિક વાહનમાં પહોંચ્યા ત્યારે તેમની સાથે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક પણ મુસાફર તરીકે કારમાં બેસ્યા હતા. આ ઘટનાએ બાકીના ધારાસભ્યો અને મીડિયા બન્નેનું ધ્યાન ખેંચાયું હતું.
ટેસ્લાએ મંગળવારે મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે ભારતનો પહેલો શોરૂમ શરૂ કર્યો, જે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં કંપનીના વિસ્તરણમાં એક મોટું પગલું છે. આ ઘટનાએ ભારતના ઇલેક્ટ્રિક વાહન (EV) ઇકોસિસ્ટમ અને તેમાં અગ્રણી તરીકે મહારાષ્ટ્રની ભૂમિકા વિશે ચર્ચા શરૂ કરી દીધી છે. આ પગલાને `મોટી વાત` ગણાવતા, નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું, "મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) છે. અમારી પાસે ઉત્તમ માળખાગત સુવિધા છે, અને અમારી નીતિઓ રોકાણકારોને અનુકૂળ છે. આ જ કારણ છે કે ટેસ્લા જેવા મુખ્ય વૈશ્વિક ખેલાડીઓ મહારાષ્ટ્રને ભારતમાં પ્રવેશદ્વાર તરીકે જોઈ રહ્યા છે."
મુંબઈમાં ટેસ્લાના પહેલા શોરૂમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ફડણવીસે કર્યું
ગઈ કાલે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના બીકેસીમાં ભારતના પ્રથમ ટેસ્લા શોરૂમનું ઉદ્ઘાટન પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક સાથે કર્યું. બન્નેએ નવી લૉન્ચ થયેલી કારનો વ્યવહારુ અનુભવ મેળવવા માટે કારનું અનાવરણ કર્યું અને વાહનમાં બેઠા પણ. ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયાને સંબોધતા, ફડણવીસે ટેસ્લાના ભવિષ્યના પ્રયાસો માટે મહારાષ્ટ્રને આદર્શ ભાગીદાર તરીકે રજૂ કર્યું. "અમે ઈચ્છીએ છીએ કે ટેસ્લા ફક્ત અહીં કાર વેચે નહીં પણ તેનું નિર્માણ પણ કરે. અમે ભારતમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં સંશોધન, વિકાસ અને ઉત્પાદન જોવાની આશા રાખીએ છીએ," ટેસ્લાના પ્રતિનિધિઓ અને ઉદ્યોગ હિસ્સેદારોને સંબોધતા ફડણવીસે કહ્યું.
તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ દેશની નાણાકીય અને મનોરંજન રાજધાની કરતાં વધુ છે, તે નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉપણુંનું કેન્દ્ર પણ છે. "મુંબઈમાં ટેસ્લાના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન એક મજબૂત નિવેદન છે. તે ટેસ્લાના આપણા શહેર અને રાજ્યમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે," તેમણે નોંધ્યું.
ટેસ્લાનું પહેલું શૉરૂમ મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ખુલી ગયું છે. હજી કંપનીએ ભારતીય બજારમાં પોતાની સૌથી પૉપ્યુલર કૉમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મૉડલ Yને ઉતારી છે, જેની એક્સ-શૉરૂમ કિંમત 60 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય કંપનીએ સ્ટોરથી લગભગ 6 કિલોમીટર દૂર એક સર્વિસ સેન્ટર અને ગોડાઉન પણ ખોલ્યું છે. કંપનીએ સ્ટોર ઓપનિંગની સાથે મુંબઈ અને દિલ્હીમાં 8 ચાર્જિંગ સ્ટેશન સેટઅપ લગાડવાની જાહેરાત પણ કરી છે. આ સ્ટેશનો પર એક સાથે 252 ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરી શકાય છે. કંપની ભારતમાં અન્ય મોડેલો લોન્ચ કરશે અને અન્ય મોટા શહેરોમાં સ્ટોર્સ પણ ખોલશે.