14 December, 2024 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રામટેક બંગલામાં શિવસેનાના નેતાઓની બેઠક થઈ હતી.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ ગુરુવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી સંબંધે પક્ષના પદાધિકારીઓ, વિધાનસભ્યો, સંસદસભ્યો અને કાર્યકરોની મુંબઈના રામટેક બંગલામાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં લોકસભા અને વિધાનસભામાં ચૂંટાઈ આવેલા સંસદસભ્યો અને વિધાનસભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એકનાથ શિંદેએ સૌને BMCની ચૂંટણી લડવા માટે તૈયારીમાં લાગી જવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠક પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘શિવસેના BMCની ચૂંટણી મહાયુતિના ભાગરૂપે લડશે. મુંબઈ ભારતનું પાવરહાઉસ છે. કેન્દ્ર-રાજ્યમાં મહાયુતિની સત્તા છે એવી રીતે BMC પરનો કન્ટ્રોલ પણ મહાયુતિ પાસે હોવો જરૂરી છે. રાજ્ય સરકારે અઢી વર્ષમાં મુંબઈકરોને રાહત થાય એ માટેના અનેક પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને બાકી રહેલા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી પૂરા કરશે. આગામી સમયમાં મુંબઈના રસ્તા ખાડામુક્ત કરવા ઉપરાંત આરોગ્ય વિભાગમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે.’