મંત્રાલયમાં કોરોનાનું સંકટ, આઠ કર્મચારી સંક્રમિત

23 February, 2021 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંત્રાલયમાં કોરોનાનું સંકટ, આઠ કર્મચારી સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અનેક કૅબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનો વાઇરસની ચપેટમાં આવ્યા બાદ હવે મંત્રાલયમાં પણ કોરોનાએ સપાટો બોલાવ્યો છે. મંત્રાલયમાં આવેલા મહેસૂલ વિભાગના એકસાથે ૮ કર્મચારીને કોવિડનું સંક્રમણ થવાથી ગભરાટ ફેલાયો છે. આ વાત જાણ્યા બાદ આ વિભાગના અન્ય ૨૩ કર્મચારીઓ પણ કામ પર હાજર ન થતાં એ  વિભાગ બંધ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

મહેસૂલ વિભાગના ૮ કર્મચારીઓ કોવિડ-પૉઝિટિવ હોવાથી તેમના સંપર્કમાં આવેલા અનેક કર્મચારીઓ અને લોકો ક્વૉરન્ટીન થયા છે. ૮ કેસ આવવાથી મંત્રાલયમાં આવેલા મહેસૂલ વિભાગને ગઈ કાલે સૅનિટાઇઝ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ મંત્રાલયના અનેક કર્મચારી અને ઑફિસરોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. મોટા ભાગનો સ્ટાફ રિકવર થયો હતો, પરંતુ કેટલાકનાં મૃત્યુ થયાં હતાં.

કૅબિનેટથી લઈને રાજ્ય કક્ષાના પ્રધાનો તેમ જ ઉચ્ચ અધિકારીઓની ઑફિસો મંત્રાલયમાં હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. મહેસૂલ વિભાગના ૮ કર્મચારીઓ પણ છેલ્લા કેટલાક સમયથી અનેક લોકોના સંપર્કમાં આવ્યા હશે. આવા લોકોને ક્વૉરન્ટીન થવાની સૂચના આપવામાં આવી છે.

coronavirus covid19 mumbai mumbai news mantralaya