કોરોના ફરી ઉછાળો મારે તો પહોંચી વળવા મહારાષ્ટ્ર સક્ષમ : ઉદ્ધવ

12 August, 2020 12:20 PM IST  |  Mumbai | Dharmendra Jore

કોરોના ફરી ઉછાળો મારે તો પહોંચી વળવા મહારાષ્ટ્ર સક્ષમ : ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે

કોરોના રોગચાળા સંબંધી માહિતી આપવામાં મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ પારદર્શક હોવાની બાંયધરી આપતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ રોગચાળો બીજી વખત ઊથલો મારે તો એ પરિસ્થિતિને પહોંચી વળવાની બાંયધરી વડા પ્રધાન સમક્ષ ઉચ્ચારી હતી. કોરોના-ઇન્ફેક્શનના ૮૦ ટકા દરદીઓ જે રાજ્યોમાં છે એ ૧૦ રાજ્યોના મુખ્ય પ્રધાનો જોડે વિડિયો-કૉન્ફરન્સિંગ દરમ્યાન ઉદ્ધવ ઠાકરેએ યુનિવર્સિટીઓના ફાઇનલ યરની પરીક્ષાઓ બાબતે તમામ રાજ્યો માટે એકસરખી નીતિ રાખવાનો અનુરોધ કર્યો હતો.

વિડિયો-કૉન્ફરન્સિંગમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘ધારાવી અને વરલી જેવા વિસ્તારોમાં રોગચાળા-નાબૂદીનાં પગલાં માટે મહારાષ્ટ્રની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. પરંતુ કોરોના સામેની લડાઈ હજી ચાલે છે. કોવિડ-19 સિવાયની અન્ય બીમારીઓના દરદીઓની પણ સારવાર ચાલુ રાખવાની રહેશે એથી કોરોના સિવાયના દરદીઓની સારવાર માટે સુવિધાઓની જરૂર છે.’

ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે ‘કેટલાક લોકો હાલની સ્થિતિથી ગભરાય છે. કેટલાક લોકો એવું માને છે કે તેઓ બહાર નીકળશે તો કોઈ ફેર પડવાનો નથી. કેટલાક લોકોને આજીવિકા માટે બહાર નીકળવાની ફરજ પડે છે. આપણે રોગચાળા સામે અનેક મોરચે લડી રહ્યા છીએ. નૉન-પ્રોફેશનલ કોર્સના છેલ્લા વર્ષની પરીક્ષા યોજવી ન જોઈએ. કારણ કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ લઈ ન શકાય. તબીબી અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ વિશે નિર્ણય અપેક્ષિત છે. વિદ્યાર્થીઓ ઇચ્છે તો મૌખિક પરીક્ષા યોજીશું. કોવિડ-19 સામેની લડતમાં અમને સ્વૈચ્છિક સેવા આપનારા નવા ડૉક્ટરો મળી રહેશે.’

mumbai mumbai news coronavirus covid19 dharmendra jore uddhav thackeray