PNB કૌભાંડ : નીરવ મોદીની હૉન્ગકૉન્ગની ૨૫૫ કરોડની મિલકતો EDએ જપ્ત કરી

26 October, 2018 06:30 AM IST  | 

PNB કૌભાંડ : નીરવ મોદીની હૉન્ગકૉન્ગની ૨૫૫ કરોડની મિલકતો EDએ જપ્ત કરી

લગભગ બે અબજ ડૉલર (અંદાજે ૧૪૭ અબજ રૂપિયા)ના કહેવાતા PNB કૌભાંડના અનુસંધાનમાં EDએ હૉન્ગકૉન્ગમાં નીરવ મોદીની ૩૪.૯૭ મિલ્યન ડૉલર (અંદાજે ૨૫૫ કરોડ રૂપિયા)ની હીરા-ઝવેરાત સહિતની સંપત્તિ અટૅચ કરી છે. એ મિલકતોના અટૅચમેન્ટ માટે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ ઑર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો હોવાનું EDએ જણાવ્યું હતું.

EDના પ્રવક્તાએ અટૅચમેન્ટની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘નીરવ મોદીની દુબઈસ્થિત કંપનીઓએ ૨૬ શિપમેન્ટ્સ દ્વારા હીરા-ઝવેરાત સહિતની કીમતી સામગ્રી તેમના અંકુશ હેઠળની હૉન્ગકૉન્ગ સ્થિત કંપનીઓને એક્સર્પોટ કરી હતી. એ બધી સામગ્રી હૉન્ગકૉન્ગના લૉજિસ્ટિક્સ વૉલ્ટમાં રાખવામાં આવી હતી. તપાસમાં એ સામગ્રીના મૂલ્ય, કન્સાઇની, શિપર, માલિકી વગેરે વિગતો એકઠી કરીને એ માલસામાનની માલિકીના પુરાવા મેળવ્યા બાદ અટૅચ કરવામાં આવી હતી. આ સંપત્તિના અટૅચમેન્ટ સાથે આ કેસમાં નીરવ મોદીની અટૅચ કરવામાં આવેલી સંપત્તિની કુલ કિંમત ૪૭૪૪ કરોડ રૂપિયા પર પહોંચી છે.


આ પણ વાંચો : નાલાસોપારામાં ૬૦ વર્ષનાં ગુજરાતી મહિલા સળગી મર્યાં


PNB ફ્રૉડ પ્રકાશમાં આવ્યા પછી નીરવ મોદી વિદેશ જતા રહ્યા છે. EDએ ચાર્જશીટમાં નીરવ મોદીએ બૅન્ક-ફન્ડ્સના ૬૪૦૦ કરોડ રૂપિયાનો ગેરવ્યવહાર કરીને વિદેશમાં મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. નીરવ મોદી સામે ઇન્ટરપોલનું અરેસ્ટ વૉરન્ટ બહાર પાડવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર નીરવ મોદીને પ્રત્યાર્પણ દ્વારા બ્રિટનથી ભારત લાવવાના પ્રયાસો કરે છે.